- 60KWના હાઇ સ્પીડ ચાર્જિંગ સ્ટેશન ખાતે EV વાહન ચાર્જ કરવા પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં
ચાર્જઝોન જે બરોડા સ્થિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપતી કંપની છે. કંપનીએ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, હરણી રોડ ખાતે નાગરિકોની સુવિધા વધારવાના હેતુસર 60KWનું હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યું છે. આ પ્રસંગે ચાર્જઝોનના સ્થાપક કાર્તિકેય હરિયાણીએ જણાવ્યું હતું કે, ચાર્જિંગ સ્ટેશન ખાતે ડ્યુઅલ ગન છે અને તે એક સમયે બે EV કારને ચાર્જ કરી શકે છે. એક કારને સંપૂર્ણ ચાર્જ કરવામાં 40થી 45 મિનિટ થશે. અમારું કનેક્ટર CCS2 પ્રકારનું છે તેથી કોઈપણ બ્રાન્ડની EV કાર ચાર્જઝોનના અહીંના ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ થઈ શકાશે.
વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવાની બાબત એક ગૌરવપૂર્વકનો પ્રસંગ હોવાનું ઉલ્લેખી તેમણે જણાવ્યું કે, અમારો હેતુ EV કાર વપરાશકર્તાઓને વધુ સારી, ઝડપી અને અનુકૂળ સુવિધા આપવાનો છે. તેઓ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24×7 કાર ચાર્જ કરવાનો લાભ લઈ શકશે. પ્લેસ્ટોર પરથી ચાર્જઝોન એપ ડાઉનલોડ કરીને કોઈપણ EV કારને ચાર્જ કરવામાં મદદ મળશે. અમારા તમામ ચાર્જિંગ સ્ટેશન માનવરહિત સ્ટેશનો છે.
ચાર્જઝોનના સ્થાપક કાર્તિકેય હરિયાણી વધુમાં જણાવે છે કે, અમે ગ્રાહકોની સુરક્ષા પર ભાર મૂકીએ છીએ તેથી અમે અમારા EV કાર વપરાશકર્તાઓની સમજણ અને સગવડતા માટે ફાયર બકેટ્સ પણ મૂક્યા છે અને ચાર્જિંગ માટે શું કરવું અને શું ન કરવું? તે ડિસ્પ્લે બોર્ડ મૂક્યું છે.
વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથેની અમારી સમજણના ભાગરૂપે, EV કારના ઉપયોગકર્તાઓએ તેમની EV કારને ચાર્જ કરવા માટે કોઈ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશી અને એરપોર્ટ ઓથોરિટી, વડોદરાના ડાયરેક્ટર પ્રદીપ ડોરબીયાલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને કંપની દ્વારા જે સુવિધા ઉભી કરવામાં આવી છે તેને વખાણી હતી.