છાશવારે વિવાદમાં રહેતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નગરસેવકની ધરપકડ કરવા માટે કરેલી ઉતાવળમાં કરેલી ભૂલને કારણે આજે ક્રાઇમ બ્રાન્ચના PSI તેમજ ફરિયાદીને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઈશ્યુ કરી છે.
તાજેતરમાં ધારાસભ્ય વિરુદ્ધ આપત્તીજનક ટિપ્પણી કરનાર કુલદીપ ભટ્ટની ધરપકડ કરીને તેની સાથે મીડિયા કર્મીઓને પણ નિવેદન આપવાના બહાને 6 કલાક સુધી બેસાડી રાખીને વિવાદમાં આવેલા ક્રાઇમ બ્રાન્ચનો સત્તાપક્ષ પ્રત્યેનો પ્રેમ છલકયો હતો.
જોકે એક વર્ષ પહેલાં નગરસેવક અલ્પેશ લીંબચીયા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં ઓછી સજાની જોગવાઈ હોવા છતાંય ક્રાઇમ બ્રાન્ચે રાત્રીના 12.30 કલાકે નોટિસ આપ્યા વિના અલ્પેશ લીંબચીયાની ધરપકડ કરતા ગુજરાત હાઇકોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરવાના કિસ્સામાં એક PSI અને ફરીયાદીને નોટિસ ઈશ્યુ કરી છે.
વડોદરાના પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડની બદનામી થાય તે પ્રકારની એક પત્રિકા પોસ્ટ મારફતે ભાજપના નેતાઓ મોકલવામાં આવી હતી. જે અંગે બદનક્ષી તથા ધમકીની બાબતે વડોદરા ક્રાઇમ બ્રાંચે ગત તા.22.07.2023ના રોજ ગુનો નોંધ્યો હતો. ગુનામાં કરેલ આક્ષેપોમાં કોઇ કલમ સાત વર્ષ કરતા વધુ સજાની કલમના હોવાથી નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ આરોપીને નોટિસ આપવી જરૂરી હતી. પરંતુ પોલીસે તેવી કોઇ નોટિસ આપ્યા વગર રાત્રીના 12:30 વાગે અલ્પેશ લિમ્બચિયાની ધરપકડ કરી હતી.
પોતાની ગેરકાયદેસર અટકાયત સંદર્ભે અલ્પેશ લીમ્બચિયાએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી ધરપકડની કાર્યવાહીને પડકારેલ જેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના ખંડપીઠ સમક્ષ થતાં મામલાની ગંભીરતા ધ્યાને લઇ સરકાર, ક્રાઈમ બ્રાન્ચના PSI અને ફરિયાદીને નોટિસ ઇશ્યૂ કરવાનો હુક્મ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,પત્રિકાકાંડનો મામલો સામે આવતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયાની સંડોવણી હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી હતી. સત્તા પક્ષના કોઈ નેતા ફરિયાદી હોય ત્યારે કાયદા નિયમો નેવે મૂકીને થતી કાર્યવાહીનો તાજો કિસ્સો હરણી વિસ્તાર માંથી ધરપકડ કરાયેલા કુલદીપ ભટ્ટના કેસમાં જોવા મળ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલાં પણ આવી રીતે સત્તાપક્ષના ફરિયાદીની ફરિયાદમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશથી પણ ઉપરવટ થઈને કરવામાં આવેલી ધરપકડ મામલે નોટિસ ઈશ્યુ થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી અન્ય કાર્યવાહીઓ પણ શંકા ઉપજાવે તેમ છે!