- પોતાનુ સ્વજનની રાહ જોતું હોય છે. આપણે તમામને વિનંતી કરીએ છીએ કે, આપણે વાહન ઝડપમાં ના ચલાવીએ – જયપ્રકાશ સોની
વડોદરામાં હોલિકા દહનની રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે દેશભરમાં સડક સુરક્ષાને લઇને વધુ એક વખત ચર્ચા જાગી છે. ત્યારે આજે વડોદરા ભાજપ શહેર યુવા મોરચા દ્વારા લાગણીસભર સંદેશા સાથેના પોસ્ટરો રીક્ષા પાછળ લગાડીને લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ તકે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, ટ્રાફિક એસીપી દત્તાત્રેય વ્યાસ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ પોસ્ટરોમાં ઓછી સ્પીડથી વાહન ચલાવવું, હેલમેટ પહેરવું તથા રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા જેવા નીયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ મીડિયાને જણાવ્યું કે, આ પોસ્ટર પર જે સુત્રો લખ્યા છે, તે લોકો માટે સંદેશ છે. ઝડપમાં જતા ચાલક પોતાના જીવને પણ જોખમમાં મુકે છે. બધા જ લોકોના પરિવાર પોતાના સ્વજનની રાહ જોતું હોય છે. આપણે તમામને વિનંતી કરીએ છીએ કે, આપણે વાહન ઝડપમાં ના ચલાવીએ. આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે અમારો આ પ્રયાસ છે.
શહેર ભાજપ યુવા પ્રમુખ પાર્થ પુરોહિતે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખુબ સારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે હું પોલીસ કમિશનરને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે, અમે ચાર ફેઝમાં કામ કરતા હોઇએ છીએ. પહેલા જાગૃતિ, સમજાવટ, દંડ અને ત્યાર બાદ પણ ના માને તો કાનુની કાર્યવાહી કરીએ છીએ. અત્યારે ચોથા ફેઝમાં કામ ચાલી રહ્યું છે. છતાંય અકસ્માતો ઓછા નથી થયા. ત્યારે મને લાગ્યું કે, લોકોને મેસેજ આપવો જોઇએ, જેમ મારૂ પરિવાર રાહ જુએ છે, તેમ સામે વાળાનું પણ પરિવાર રાહ જોઇ રહ્યું છે. રીક્ષા આખા વડોદરામાં ફરે છે. તેની પાછળ ભાવનાત્મક સંદેશ પહોંચે, જેથી અમે લાગણીસભર સંદેશ સાથેના પોસ્ટરો લગાડી રહ્યા છે. ખાસ કરીને કોઇના જીવનમાં રક્ષક બનો, રક્ષિત નહીં, સુત્રએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં 100 થી વધુ પોસ્ટરો લગાડવામાં આવવાના છે. આવનારા સમયમાં કંપનીઓમાં પણ લોકજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીશું.