- સ્થાયી સમિતિમાં મંજુરી અર્થે આવતા કામોમાં ઈજારદારો જાણે રીંગ કરતા હોય કે, ભાવ ભરવાની ઈચ્છા ન ધરાવતા હોય તેવું ફલિત થાય છે!
- સ્ટ્રીટલાઈટના કામ માટે પણ ત્રણ વખત જાહેરાત આપ્યા બાદ સ્વસ્થ સ્પર્ધામાં ઈજારદારોએ રસ દાખવ્યો
- વરસાદી ગટર નાખવાના કામમાં વહીવટી મંજુરી ફેબ્રુઆરીમાં મળી હોવા છતાય ચોથા પ્રયત્ને ફક્ત એક ઈજારદારે ભાવ ભર્યા
- ડીવાઈડર વ્હાઈટ વોશ અને પેઈન્ટ કરવાનું કામ સોપવા પણ બે પ્રયત્નો કરવા પડ્યા!
(Maulik Patel) વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોની અનઆવડતને કારણે શહેરના વિકાસના કામો ખોરંભે પડ્યા છે. તાજેતરમાં માનવસર્જિત પૂરની સ્થિતિ બાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશોને ફટકાર લગાવી હતી. તેમ છતાંય વહીવટી નિષ્ફળતામાં કોઈ સુધારો આવ્યો નથી. રાજ્યભરમાં જ્યાં ઈજારદારો કામ કરવા માટે સામેથી આવતા હોય ત્યાં વડોદરા મહાનગર પાલિકામાં ત્રીજા ચોથા પ્રયત્ને પણ કોઈ ઈજારદાર કામ કરવા તૈયાર હોતા નથી. જયારે ઘણી વાર માનીતા ઈજારદારને જ કામ આપવાનું હોવાથી વારંવાર શરતોમાં સુધારા કરીને ભાવો મંગાવવામાં આવે છે.
આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં રજુ કરેલા કામોમાં અનેક સ્થળે ત્રીજા-ચોથા પ્રયત્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ તો પાલિકાએ ઇજારદારની શરતો પર પણ કામ કરાવવાની તૈયારી દર્શાવી છે. આવી સ્થિતિ પાછલા કેટલાક વર્ષોમાં ક્યારેય જોવા મળી નથી. જે કામગીરી સૌથી જરૂરી હોય તે કામગીરીને કારણ વિના જ મુલતવી કરવામાં આવે છે. જેના કારણે ઈજારદારો પણ કંટાળી જાય છે.
ડીવાઈડર વ્હાઈટ વોશ અને પેઈન્ટ કરવાનું કામ સોપવા પણ બે પ્રયત્નો કરવા પડ્યા!
શહેરના પૂર્વ ઝોનમાં 50 લાખની મર્યાદામાં મુખ્ય રસ્તાઓ પરના ડીવાઈડર,ફૂટપાથ કર્બીંગ તેમજ સર્કલને વ્હાઈટવોશ તેમજ પેઈન્ટ કરવાના કામ માટે પાલિકાની રોડ પ્રોજેક્ટ શાખાએ 17 મે 2024ના રોજ મંજુરી આપી હતી. જે કામગીરીના ટેન્ડર બે વખત પ્રસિદ્ધ કરવામાં આવ્યા અને બીજા પ્રયત્ને(તા.18 જુલાઈ 2024) અચાનક 5 ઈજારદારોએ ભાવપત્રક રજુ કર્યા જેમાંથી સૌથી ઓછો ભાવ ભરનાર મે.અગ્રવાલ કન્સ્ટ્રકશન સાથે નેગોશીએટ કરીને 1 ઓગસ્ટ 2024ના રોજ મંજુરી માટે રજુ કરવામાં આવી હતી. જે કામગીરી 30 ઓગસ્ટે સ્થાયી સમિતિએ મુલત્વી કરી દેતા આવનારી સ્થાયી સમિતિમાં ફરી વાર રજુ કરવામાં આવ્યું છે. વહીવટી મંજુરીના 5 મહિના બાદ પણ કામગીરીને સ્થાયી સમિતિની મંજુરી મળી નથી. આવી સ્થિતિમાં ઈજારદારો કામ કયારે કરશે? આ સાથે દક્ષીણ ઝોનના ઉપરોક્ત કામ માટે બે પ્રયત્નો અને પશ્ચિમ ઝોનના કામ માટે એક પ્રયત્ન થયો છે. જોકે અધિકારીઓ નેગોશીએટ કરીને ફાઈલ મંજુરી માટે સ્થાયીમાં મોકલે છે. છતાંય ક્યા કારણોસર કામગીરી સોપવાના સમયમાં સતત વિલંબ થઇ રહ્યો છે તે સમજાતું નથી.
વરસાદી ગટર નાખવાના કામમાં વહીવટી મંજુરી ફેબ્રુઆરીમાં મળી હોવા છતાય ચોથા પ્રયત્ને ફક્ત એક ઈજારદારે ભાવ ભર્યા
શહેરના વોર્ડ 9 વિસ્તારમાં વરસાદી ગટર નાખવાના બે કામને ફેબ્રુઆરી માસમાં વહીવટી મંજુરી મળી હતી. પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા ઈજારદારો પાસે ભાવ મંગાવવા માટે ચાર વખત પ્રયત્ન કરવામાં આવ્યા જોકે ચોથા પ્રયત્ને પણ ફક્ત એક જ ઇજારદારે ભાવ રજુ કર્યા છે. જે ઈજારદાર સાથે સામાન્ય નેગોસીએટ કરીને સ્થાયી સમિતિની મંજુરી અર્થે આગામી શુક્રવારની બેઠકમાં રજુ કરવામાં આવશે. એક કામગીરીને મંજુરી સુધી પહોચાડવામાં 7 મહિનાના લાંબો સમય લાગી જાય તો કામગીરી પૂર્ણ કયારે થાશે તે વિચારવું જરૂરી છે. શું પશ્ચિમ ઝોનના આ વિસ્તારમાં કોઈ ઈજારદાર કામ કરવા તૈયાર નથી? કે પછી પાલિકાના અધિકારીઓ પ્રયત્નો કરીને થાકે પછી મળતિયાઓનો માણીતો ઇજારદાર ભાવ ભારે તો તેણે સીધી મંજુરી મળી જાય તે માટે ગોઠવણ કરવામાં આવે છે ? આવા અનેક સવાલો પાલિકાની આ કાર્યપદ્ધતિથી ઉદ્ભવી રહ્યા છે.
સ્ટ્રીટ લાઈટ નાખવાના સામાન્ય કામમાં પણ પાલિકાને ઇજારદારો પરસેવો પાડી દે છે. અને 7 મહિના બાદ ત્રીજા પ્રયત્ને એક સાથે બે ઈજારદારો પ્રગટ થઈને એક કરતા બમણો વધુ ભાવ રજુ કરે છે. (ઈજારદાર 1 દ્વારા 4.57 ટકા વધુ રજુ થાય ત્યારે ઈજારદાર 2 દ્વારા 9.63 ટકા વધુ રજુ થાય) અંતે નેગોશિએશનની કોઈ સ્થિતિ રહેતી નથી અંતે 0.50 ટકા ઓછામાં “બિન શરતીય” કામ કરવા ઈજારદાર સંમતિ આપે છે. આમાં કઈક રંધાઈ રહ્યું હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.