- અમે કેવી રીતે બધુ મેનેજ કરીએ. વડોદરાની આ એકમાત્ર ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. કેમ એક જ ઓફિસમાં આ કામ થાય ?
વર્ષ 2025 ના શરૂઆતના દિવસોમાં આવાસ યોજનાના ફોર્મ માટે અરજદારો ખાનગી બેંકની બહાર લાંબી કતારોમાં સવારથી જ ગોઠવાયેલા જોવા મળ્યા હતા. આ સિલસિલો હજી માંડ અટક્યો છે, ત્યાં તો હવે વડોદરા શહેર ની નવરંગ ટોકીઝ પાસે આવેલી કચેરી બહાર આધાર કાર્ડ માટે લાંબી કતારોમાં અરજદારો લાગ્યા છે. જેના કારણે તંત્રની લાપરવાહી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ટેક્સ ભરપાઇ કરતા લોકોને એક નહિં તો બીજા કારણોસર કતારમાં ઉભા રાખવા માટે ટેવાયેલું તંત્ર ક્યારે સુધરશે, તેવી લોકચર્ચાઓએ સ્થાન લીધું છે. કતારમાં ઉભા રહેલો લોકોનું કહેવું છે કે, આધાર કાર્ડની કામગીરી ઓફિસના કલાકો દરમિયાન જ થાય છે. આટલી લાંબી લાઇનો જોઇને તેમણે વધુ કાઉન્ટર શરૂ કરવા જોઇએ.
કતારમાં ઉભા રહેલા અરજદારે જણાવ્યું કે, સવારથી જ લાંબી લાઇનો પડે છે. હું સવારે 9 વાગ્યાથી લાઇનમાં ઉભો છું. લાઇન આગળ ખસતી જ નથી. હાલમાં એનઆરઆઇ પરત આવવાની મોસમ ચાલી રહી છે. આ કતારમાં 80 ટકા લોકો એનઆરઆઇ હોવાનો અંદાજ છે. આની જગ્યાએ તેઓ ટોકન આપીને ટાઇમ પણ આપી શકે છે. સાથે જ જે રીતે લાઇનો છે, તે જોતા તેમણે વધારે કાઉન્ટરની વ્યવસ્થા રાખવી જોઇએ.
ફિલિપાઇન્સથી આવેલા અરજદારે મીડિયાને જણાવ્યું કે, આ મારો ત્રીજો રાઉન્ડ છે. હું ફિલિપાઇન્સથી આવું છું. ડોક્યૂમેન્ટ પ્રોપર ના હોવાના કારણે એક વખત અમારી અરજી નકારી કાઢવામાં આવી હતી. મારી પત્ની ભારતીય નાગરિક નથી. આધાર કાર્ડ બધીજ જગ્યાએ જરૂરી છે. આ કામગીરી અઠવાડિયામાં માત્ર ગુરૂવારે થતી હોય છે. તો અમે કેવી રીતે બધુ મેનેજ કરીએ. વડોદરાની આ એકમાત્ર ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. કેમ એક જ ઓફિસમાં આ કામ થાય ? આ કામગીરી ઓનલાઇન થવી જોઇએ.