વડોદરામાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા ગઈકાલે કારેલીબાગમાં આવેલ નીલકંઠ પાર્ટી પ્લોટમાં હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગ્રવાલ સમાજના 2500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. હોળી મિલન સમારોહમાં 100 કિલો ગુલાબના ફૂલના પાંદડીથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ હોળી રમી હતી. ફૂલોની હોળી ઉપરાંત ઓર્કેસ્ટ્રાની ટીમે હોળીના ગીતો ગાતા લોકોએ ખુબ ડાન્સ અને મોજ મસ્તી પણ કરી હતી. અવિરાજ હિંગુ મ્યુઝિકલ ઇવેન્ટ્સ ટીમ દ્વારા કાર્યક્રમમાં હોળી ઉપરાંત હિન્દી ફિલ્મોના ગીતો ગાયા હતા. ચૈત્રી નવરાત્રિનો પર્વ ચાલતો હોવાથી મહિલાઓએ પણ ગરબા ગાઈ નવરાત્રિના પર્વનો આનંદ માણ્યો હતો તેમજ માં અંબેની ભક્તિ પણ કરી.
કાર્યક્રમમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડો હેમાંગ જોશીએ ખાસ હાજરી આપી હતી. હેમાંગ જોશીનું અગ્રવાલ સેવા સમિતિના હોદ્દેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. હેમાંગ જોશીની હાજરીમાં અગ્રવાલ સમાજના 2500 લોકોએ પહેલા મતદાન બાદમાં જળપાન, મતદાન અવશ્ય કરીશુંના શપથ પણ લીધા હતા. કાર્યક્રમમાં સુરતથી ખાસ અખિલ ભારતીય અગ્રવાલ સમ્મેલનના રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ ભારુખા, પ્રદેશ પ્રમુખ રતનલાલભાઈ, ગુજરાત અગ્રવાલ સમાજના અગ્રણી જગદીશભાઈ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અખિલ ભારતીય અગ્રવાલ સમ્મેલનના રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ ભારુખાએ અગ્રવાલ સેવા સમિતિના પ્રમુખ રવિભાઈ અગ્રવાલને અખિલ ભારતીય અગ્રવાલ સમ્મેલનના ગુજરાત પ્રદેશના ઉપ-મહામંત્રી તરીકે નિમણૂક કરવાની પણ જાહેરાત કરી.