વડોદરામાં બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા આયોજિત “ઉમંગો કી હાટ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્તુઓની પ્રદર્શની સાથે ઊર્મિ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ સંદેશ માટે 20 ફુટની રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
લોકશાહીના મહા પર્વમાં દરેક મતદાર પોતાનો મત આપી શ્રેષ્ઠ ભારત તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપે તે માટે તંત્ર દ્વારા કેટલાય મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. આ સાથે જ કેટલીક શાળાઓ દ્વારા પણ મતદારોમાં મતદાન કરવા માટે જાગૃતિ ફેલાવવા માટે અનોખા પ્રયોગો કરવામાં આવે છે. ત્યારે બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા આયોજિત “ઉમંગો કી હાટ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો તેમજ સામાન્ય બાળકો દ્વારા લોકશાહીના સૌથી મોટા પર્વ મતદાનને પણ મનાવવામાં આવ્યો હતો. બાળકો દ્વારા આવનાર લોકસભા ચૂંટણી માટે 20 ફુટ ની મતદાન જાગૃતિ આપતી રંગોળી તૈયાર કરવામાં આવેલ હતી. રંગોળીમાં મતદાન ના દિવસે અવશ્ય મતદાન સાથે મતદાતાઓ માટે જરૂરી મોબાઈલ એપ્લિકેશન ની પણ જાણકારી આપવામાં આવેલ હતી. 52 થી વધુ ઊર્મિ સ્કુલ ના બાળકો દ્વારા 8 કલાકની મહેનત બાદ આ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકોની સંસ્થા કે જ્યાં ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર કાર્યરત છે તેમાં 140 થી વધુ દિવ્યાંગ બાળકો શિક્ષણ સાથે આત્મસમ્માન થી જીવન જીવવાની તાલીમ લઇ રહ્યા છે. ગત રોજ ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર દ્વારા નવતર અભિગમો થી દિવ્યાંગ બાળકોને મંચ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા વડોદરાના ડીડીઓ મમતા હિરપરા સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને બી.આર.જી ગ્રુપના ચેરપર્સન લાતાબેન ગુપ્તા, સી.એમ.ડી સરગમ ગુપ્તા, મેનેજીંગ ડિરેક્ટર ડો.સપના પટેલ, ડિરેક્ટર સ્વેતા ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર દ્વારા “ઉમંગો કી હાટ”ના શીર્ષક હેઠળ આખા વર્ષ દરમિયાન શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજ વસ્તુઓની પ્રરદર્શની સાથે પૉપઅપ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકો ના હાથે તૈયાર કરવામાં આવેલ જીવન જરૂરિયાત ની વસ્તુઓનું પ્રદર્શન મુકવામાં આવેલ હતું. દિવ્યાંગ બાળકોને વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સાથે આત્મનિર્ભર બનવા માટે આપવામાં આવેલ તાલીમના સારાંશ હેઠળ “ઉમંગો કી હાટ”નું આયોજન કર્યું હતું.
આ પ્રદર્શનીમાં દિવ્યાંગ બાળકો દ્વારા કાથી માંથી તૈયાર કરવામાં આવેલ પગલૂછણિયાં, વિવિધ આભૂષણો સાથે શુશોભનની વિવિધ બનાવટોની પ્રદર્શનીના સ્ટોલ મુકવામાં આવ્યા હતા. દરેક સ્ટોલ ઉપર દિવ્યાંગ બાળકો જ પોતાની હાથ બનાવટ ને આમંત્રિત વડોદરાની જનતા સમક્ષ પ્રસ્તુત કરતા હતા. દિવ્યાંગ બાળકોએ માટી કામ દ્વારા વિવિધ કોડિયાં તેમજ કુંજા અને ગમલા બનાવી તેમાં છોડ રોપી ને વિવિધ રંગો થી સોશોભિત કર્યા હતા. બાળકોએ કાથી દ્વારા તૈયાર કરેલ ઇકો ફ્રેન્ડલી થેલીઓનું પણ વેચાણ આ બજાર માં કરવામાં આવેલ હતું.
આ ઉપરાંત મોતીની માળાઓ, કુંડળ, બટવા, આભલા થી તૈયાર કરેલ અરીશા સાથે ઘરને શુશોભિત કરતા તોરણો પણ અદભુત કલા કારીગરી થી દિવ્યાંગ બાળકોએ આ બજાર માં મુકેલ હતા. આ તમામ વસ્તુઓના વેચાણ થી આવેલ આર્થિક રકમ ને ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટરના બાળકોના વિકાસમાં જરૂરી સાધન સહાય અર્થે ખર્ચ કરવામાં આવનાર છે.
આ સાથે જ “ઉમંગો કી હાટ”માં વડોદરા શહેર ની 10 થી વધુ વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો દ્વારા નૃત્ય તેમજ રંગારંગ પ્રસ્તુતિ આપવામાં આવી હતી. વિવિધ ગીતોના સથવારે દિવ્યાંગ બાળકો દ્વારા ઉપસ્થિત જનમેદની સામે આત્મવિશ્વાસ સાથે સંસ્કૃતિ પ્રસ્તુતિ આપવામાં આવેલ હતી. જે બાદ તમામ સંસ્થાઓ અને બાળકોને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
“ઉમંગો કી હાટ” દિવ્યાંગ પૉપ અપ બજાર માં મોટી સંખ્યામાં વડોદરા ના નાગરિકોએ દિવ્યાંગ બાળકોની કાળાને નિહાળી અને બિરદાવી હતી. દિવ્યાંગ બાળકો પણ પોતાના હાથે બનાવેલ વસ્તુઓના વેચાણ થી ઘણા ઉત્સાહી અને ખુશ નજરે પડ્યા હતા.