હવે વડોદરાથી સામે આવ્યો તથ્યકાંડ જેવો કિસ્સો. કે જેમાં વધુ એકવાર નશામાં ધૂત નબીરાએ એકનો જીવ લીધો. અકોટા બ્રિજ પર નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. બ્રિજ પરથી એક્ટિવા પર સવાર બે લોકોને ટક્કર મારી હતી. જેમાં એક યુવાનનું મોત થયું છે. જયારે અન્ય હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. અકોટા પોલીસે આ ઘટનામાં કારચાલક અને તેની સાથે સવાર તેની ફિયાનસીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકોટ દાડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે બલેનો ગાડીએ એક એક્ટીવાને અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે યુવાનો પૈકી આકાશ નામના યુવાનનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઘટના સ્થળે કરૂણ મોત થયું છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત હાલતમાં એસ એસ જી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અકસ્માતની ઘટનાને લઈને લોકટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
અકસ્માતની જાણ થતા વડોદરા શહેર ડીસીપી લીના પાટીલ સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અકોટા પોલીસે કારચાલક નબીરાની ધરપકડ કરી હતી. જેના બાદમાં પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર કારચાલક નશામાં હતો. તેની ગાડી માંથી નશાકારક પીણાની બોટલ પણ જોવા મળી હતી. કારમાં ચાલક અને તેની ફિયાનસી સવાર હતા.