વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોષીની પસંદગી થતાની સાથે જ તેઓએ પક્ષના આગેવાનોને મળીને આશીર્વાદ મેળવવાનું શરુ કર્યું છે. ગત રોજ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદાર સાથે મુલાકાત કર્યા બાદ આજે કારેલીબાગ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરીને પક્ષના સીનીયર નેતાઓને મળવાનું શરુ કર્યું હતું. જેમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ સતીષભાઈ પટેલ તેમજ માંજલપુર વિધાનસભાના મોસ્ટ સીનીયર ધારાસભ્ય યોગેશ પટેલને ડો. હેમાંગ જોષી મળ્યા હતા. જોકે આ તમામ મુલાકાતોમાં એક મુલાકાત આંખે ઉડીને વળગે તેવી હતી. એક સમયના ભાજપના સીનીયર નેતા આને હાલ નિવૃત્તિ ભર્યું જીવન જીવતા પાલિકાના પૂર્વ સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન દિનેશ ચોકસીને મળવા માટે ડો. હેમાંગ જોષી પહોચ્યા હતા.
વડોદરાના રાજકારણમાં ખુબ ઓછા નેતાઓ છે કે, જેઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામજોગ ઓળખીને તેઓના ખબર અંતર પૂછતા હોય, આ યાદીમાં પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ દિનેશ ચોકસીનો પણ સમાવેશ થાય છે. કહેવાય છે કે, વધુ ઉમર હોવા છતાય તેઓ વડોદરા શહેરના રાજકારણમાં ચાંપતી નજર રાખે છે. એટલું જ નહિ, તેઓ પ્રધાનમંત્રી સાથે સીધો સંવાદ કરી શકે તેટલી યોગ્યતા પણ રાખે છે. પ્રધાનમંત્રી વડોદરા આવે ત્યારે ઘણીવાર એવું બન્યું છે કે, પક્ષના પ્રથમ હરોળના નેતાઓને તેઓએ દિનેશ ચોક્સીના ખબર અંતર પૂછ્યા હોય.
ભૂતકાળમાં એક વાર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેઓને મળવાનો પણ આગ્રહ રાખ્યો હતો. અને એરપોર્ટ પર બોલાવીને ટૂંકી મુલાકાત કરી હતી. સંઘ સાથે સંકળાયેલા અને સીનીયર નેતા દિનેશ ચોકસીને મળવા માટે આજે ભાજપના લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જોષી પહોચ્યા હતા. જ્યાં તેઓએ દિનેશ ચોકસીના આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે ચુંટણી પ્રચાર સમયે તેમજ ચુંટણી જીત્યા બાદ શું મહત્વના નિર્ણયો લેવા જોઈએ તે અંગે દિનેશ ચોકસી પાસેથી સૂચનો પણ મેળવ્યા હતા.