- શહેરભરમાં પાલિકા દ્વારા વરસાદી કાંસ માટે ખોદી રાખવામાં આવેલા મોટા ખાડા હવે દુર્ઘટનાને આમંત્રણ આપે તેવા જણાય છે
- વડોદરા પાલિકા દ્વારા ખોદેલા ખાડામાં બાળક ખાબકતા બુમાબુમ મચી
- સ્થાનિકે દોડીને ખાડામાં કુદકો મારી તરફડિયા મારતા બાળકને બચાવ્યો
- આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે ખાડા ફરતે આડાશ કરવા માંગ ઉઠી
વડોદરા ના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતાનગર પાસે પાલિકા દ્વારા વસરાદી કાંસ માટે ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે. ગતરાત્રે તેની આસપાસ રમતા બાળકો પૈકી બે તેમાં ધૂબાક દઇને ખાબક્યા હતા. ઘટના ટાણે મોટો અવાજ આવતા સ્થાનિકો દોડ્યા હતા. અને સાથે જ ફાયર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. ઘટનામાં સ્થાનિકોની સતર્કતાના કારણે બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે સ્થાનિકો દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા બે બાળકો પડ્યા હોવાનું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું.
વડોદરામાં પાલિકા દ્વારા વરસાદી કાંસ માટે ખોદી રાખવામાં આવેલા મોટા ખાડા દુર્ઘટનાને આમંત્રણ આપે તેવા જણાય છે. ગતરાત્રે શહેરના આજવા રોડ પર આવેલી એકતા નગરમાં પાલિકાના ખાડામાં બાળક ખાબકતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટના સમયે મોટો અવાજ આવતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને ખાબકેલા બાળકને બચાવી લેવામાં આવ્યા હતા.
સ્થાનિક મહિલાએ મીડિયાને જણાવ્યા અનુસાર, જેવું બાળક પાણીમાં પડ્યું એટલે મોટો અવાજ આવ્યો હતો. જેથી અમે દોડીને તે દિશામાં પહોંચ્યા હતા. ત્યાં જઇને જોયું તો બાળક તેમાં તરફડિયાં મારી રહ્યું હતું. અમે બુમાબુમ કરી તો લોકો દોડી આવ્યા હતા. બાદમાં સ્થાનિક પુરૂષે તેમાં છલાંગ લગાવી હતી, અને બાળકોને બચાવી લીધા હતા. આ તો અમે લોકો હતા એટલે દોડી આવીને તેમને બચાવ્યા છે. જો કોઇનું ધ્યાન ના ગયું હોત તો શું થાત..!
અન્ય મહિલાએ મીડિયાને જણાવ્યું કે, અહિંયા ઘણા છોકરાઓ રમી રહ્યા હતા. તેમની જોડે મારી બહેનનો દિકરી પણ રમતો હતો. રમતાં રમતા તે પતરાની પાછળ સંતાયો હતો. તેનો પગ લપસતા તે સીધો પાણીમાં પડી ગયો હતો. અંદાજીત 20 ફૂટ જેટલો ઉંડો ખાડો છે. અમે પાલિકાને રજુઆત કરીએ છીએ કે, આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે બાઉન્ડ્રી બનાવો.