બ્રિજના કાંકરા ખરી પડતા તેને ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. અને બાદમાં નવીનીકરણનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું
ગંભીરા બ્રિજની ઘટના બાદ નંદેસરીના ઔદ્યોગિક એકમોના સંચાલકોમાં ફફડાટ
મીની નદી પર 50 વર્ષ જુના બ્રિજનું કામ ખાતમૂહુર્તના ચાર મહિના બાદ પણ ખોરંભે
ઔદ્યોગિક એકમો માટે જીવાદોરી સમાન બ્રિજને કંઇ થયું તો કમર તુટી જશે
વડોદરાના નંદેસરીમાં મીની નદી પર 50 વર્ષ જુનો ઓવર બ્રિજ આવેલો છે. જાણીતી નંદેસરીના ઔદ્યોગિક એકમો માટે આ બ્રિજ જીવાદોરી સમાન છે. હેવી મશીનરીની અવર-જવર અને પ્રોડક્શન ચેઇન જાળવી રાખવા માટે આ બ્રિજ અત્યંત મહત્વનો છે. આ બ્રિજના કાંગરા ખરતા તેને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ચાર મહિના પહેલા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને નંદેસરી ઇન્ડ. એસો.ના પ્રમુખ બાબુભાઇ પટેલ દ્વારા બ્રિજના કામનું ખાતમૂહુર્ત પણ કરવામાં આવ્યું છે. છતા કામ ચાલુ કરવામાં તારીખ પે તારીખ જેવો ઘાટ સર્જાયો છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ મીની નદી પરના બ્રિજ પર કામ શરૂ નહીં કરવામાં આવતા ઔદ્યોગિક એકમોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
Advertisement
વડોદરા પાસે નંદેસરી ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ વસાહતમાં મોટા મોટા ઉદ્યોગો કાર્યરત છે. તાજેતરમાં વિજ લાઇન નાંખવાને લઇને ધાંધિયાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ફિડર ઉડી જતા એકમોએ ભારે વેઠવું પડ઼્યું હતું. તે સમયે ઔદ્યોગિક એકમોની માંગ નકારતા સરકારી તંત્ર સામે ઇન્ડ. એસો.ના અગ્રણીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. તે બાદ હવે વધુ એક વખત તંત્રની લાપરવાપી સામે નંદેસરી ઔદ્યોગિક એકમમાં છુપો રોષ વ્યાપી રહ્યો છે. નંદેસરી અને રણોલીનો જોડતો મીની નદી પરના બ્રિજની ઉંમર 50 વર્ષ થઇ ગઇ છે. તાજેતરમાં બ્રિજના કાંકરા ખરી પડતા તેને ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. અને ત્યાર બાદ તેના નવીનીકરણના કાર્યનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. આ વાતને ચાર મહિના વીતી ગયા છે. છતાં સરકારી તંત્ર દ્વારા કોઇ કામ શરૂ કરવામાં આવ્યું નથી.
નંદેસરીના ઔદ્યોગિક એકમો માટે આ બ્રિજ સૌથી મહત્વનો છે. હેવી મશીનરીની અવર-જવર તથા પ્રોડક્શન ચેઇન જાળવવા માટે આ બ્રિજ ખુબ જરૂરી છે. આજે સવારે ગંભીરા બ્રિજનો ભાગ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. સરકારી તંત્રને વર્ષ 2022 માં જાણ કરવામાં આવ્યા છતાં કોઇ નક્કર કામગીરી કરવામાં આવી ન્હતી. જેથી આજે આ દુર્ઘટના સર્જાઇ છે. હવે આ બ્રિજને ફરી શરૂ ના થાય ત્યાં સુધી ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે અનિશ્ચિત કાળ માટે બંધ કરવામાં આવ્યો છે. જો આવી કોઇ દુર્ઘટના મીની નદી પરના બ્રિજ પર સર્જાય તો ઔદ્યોગોની કમર ભાંગી જવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેથી સહેજ પણ વિલંબ વગર આ કાર્ય શરૂ કરવામાં આવે, અને ઔદ્યોગિક એકમોને ચિંતામાંથી મુક્ત કરવામાં આવે તેવી સ્થાનિકોમાં લોકલાગણી પ્રવર્તી રહી છે.