- સંકલનની બેઠકમાં પાલિકા કમિશનરને રજુઆત કર્યા બાદ અધિકારી દોડ્યા
- આજે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીએ ધારાસભ્ય યોગેશ પટેલની મુલાકાત લીધી, તેમની રજુઆત રૂબરૂમાં જાણી
વડોદરા સહિત દેશભરમાં પનીર અને દૂધની બનાવટોમાં મોટા પાયે મીલાવટના કિસ્સાઓ સામે આવી રહી છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. ત્યારે વડોદરાના સિનિયર ધારાસભ્ય દ્વારા પણ આ અંગેની ચિંતા પાલિકાની સંકલનની મીટિંગમાં વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ પાલિકાના ફૂટ સેફ્ટી વિભાગના અધિકારીઓને ધારાસભ્યની મુલાકાત લેવા માટે મોકલ્યા છે. જ્યાં ધારાસભ્ય દ્વારા શહેરમાં બહારથી આવતી દૂધ, પનીર અને માવા સહિતના ખાદ્યપદાર્થોની તપાસ કરવા સહિતના પ્રશ્નો મુકવામાં આવ્યા છે. સાથે જ શહેરમાં વોર્ડ દીઠ એક ફૂડ સેફ્ટી ઓફિસર મુકવાની તાદીક કરી છે. વડોદરાવાસીઓના સ્વાસ્થ્યને લઇને ચૂંટાયેલા પ્રતિનિધી અને પાલિકા કમિશનર બંને સજાગ હોવાનું આ કિસ્સા પરથી સાબિત થાય છે.
વડોદરાના માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, તાજેતરમાં સાંસદ-ધારાસભ્યની પાલિકાની કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી. તેમાં મેં જે પ્રશ્ન ઉઠાવ્યો હતો, તે બાબતે પાલિકા કમિશનર દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર પ્રશાંત ભાવસારને મારી જોડે મોકલ્યા હતા. તેમની જોડે વાત થયા મુજબ, મેં મારી વાત તેમને જણાવી હતી. ખાસ કરીને વડોદરા શહેરની હદની બહાર આવેલા ગામડાઓ તથા અન્ય શહેરોમાંથી જે ઘી, પનીર, માવો, દૂધ આવે છે, તે બધુ ટ્રેન-બસ મારફતે આવતું હોય છે. તેનું સેમ્પલીંગ થવું જોઇએ. તેવી મારી રજુઆત હતી.
વધુમાં ઉમેર્યું કે, બીજો મુદ્દો એ હતો કે, વડોદરામાં અત્યારે ફૂડ ઇન્સ્પેક્ટરો 8 છે. દરેક ફૂડ ઇન્સ્પેક્ટર દરરોજના બે સેમ્પલ લે છે. મારી રજુઆત હતી કે, 19 વોર્ડમાં 19 ફૂડ ઇન્સ્પેક્ટર હોવા જોઇએ. પ્રત્યેક ફૂડ ઇન્સ્પેક્ટર આજની સરખામણીએ રોડ બે સેમ્પલ લે છે. તેમાં એકનો વધારો કરીને રોજ ત્રણ સેમ્પલ લેવા જોઇએ. જેથી ભેળસેળિયાઓ અટકાવી શકાય. સેમ્પલ લઇને સેવાસદનની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. પરંતુ આપણી પાસે સરકારની લેબોરેટરી છે, ત્યાં સેમ્પલ મોકલવા જોઇએ. અને જે ભેળસેળ કરતા પકડાયા કરે છે, તેમના સેમ્પલ એકની સાથે બીજી જગ્યાએ પણ મોકલવા જોઇએ. અને તેના પૈસા પાલિકાએ ચૂકવવા જોઇએ. લારીઓ પર જે ફૂડ ઇન્સ્પેક્ટરો સેમ્પલ લે છે, તેની સાથે મોટા મોલમાં પણ જઇને ચકાસણી કરવી જોઇએ.