વડોદરા પૂર માંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરને પુન: ધબકતું કરવા માટે વધુ એક વખત રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે. ગત રાત્રે 11 – 30 કલાકે તેઓ વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ પ્રથમ તેમણે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યાર બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નીરિક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે ઝોનલ મીટિંગ લીધી હતી. જેમાં જે તે ઝોનના કોર્પોરેટર જોડાયા હતા. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની વડોદરા મુલાકાત સમયે આખુ તંત્ર ખડેપગે રહ્યું હતું. અગાઉ પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા રાજ્ય સરકારના બે મંત્રીઓએ ડમ્પર બેસીને નીરિક્ષણ કર્યું હતું. તેનાથી તદ્દન વિપરીત ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગ્રાઉન્ડ પર જઇને, લોક સંપર્ક સાધીને સ્થિતી જાણવાનો અને ત્યાર બાદ તેને સુધારવાનો પ્રયત્ન કર્યો છે. તેમના પ્રયાસોને વડોદરાવાસીઓ બિરદાવી રહ્યા છે.
આ તકે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, આજે રાત્રે 11 – 30 સવારે 5 – 15 સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ, બધાજ મુખ્ય માર્ગે જવાનું થયું. તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ ભારે પૂરનો સામનો કર્યો છે. અનેક દિવસ સુધી સૌએ એક થઇને મુશ્કેલ ઘડીમાં એકબીજાની સહાય કરી હતી. વડોદરાના નાગરિકોને મળવાનું થયું. આપણા વડોદરા શહેરના મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે દિવસ-રાત એક કરીને સફાઇ કર્મચારીઓએ મુખ્યમાર્ગો ગણતરીના કલાકોમાં સાફ કર્યા, હવે કચરાના ઢગલાઓ સાફ કરવા મોટી ટીમો કામે લાગી છે. વડોદરામાં આખી રાત, સફાઇ કર્મીઓ, વિવિધ પાલિકાની ટીમે કામે લાગી, મોટાભાગને કચરો બહાર દુર કરવામાં સફળતા મળી. આજે મેં ઝોન વાઇઝ મીટિંગ લીધી, સૌ અધિકારીઓ-ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું. સોસાયટીઓની ફરિયાદ આવતી હતી, તેની વ્યવસ્થા કરવી, આ બધી જ વ્યવસ્થા સુચારૂ રૂપે થાય, વડોદરા એકદમ ચોખ્ખું, શહેર ક્યારે ન જોયું હોય તેટલું ચોખ્ખું થાય તે માટે ડિટેલ્ડ પ્લાનીંગ અને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, શહેરના રસ્તાઓનું મેં નીરીક્ષણ કર્યું છે. રસ્તા પરના નાના-મોટા ખાડા દુર કરવા, રસ્તા પર પડેલા ઝાડ દુર કરવાની કામગીરી પણ ચાલી રહી છે. આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે. તમામને ઉત્સાહ અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે. સફાઇ કર્મચારીઓને વંદન કર્યા છે. હજી બે દિવસ સુધી આખી ટીમ કામ કરશે, અને આખા વડોદરાને સાફ કરવાનો સંકલ્પ હાથ લીધો છે. આજે સવારથી 25 જેટીંગ મશીન, 19 સક્શન મશીન, 5 સેટ સુપર સક્શન મશીન, 3 રીસાયકલર મશીન, 130 જેસીબી મશીન, 167 હાઇવા ટ્રક ડમ્પર, 214 જેટલા ટ્રેક્ટરના ઉપયોગથી રાત્રે 12 વાગ્યા સુધીના 24 કલાકમાં 1800 મેટ્રીક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે.
પૂર ગ્રસ્ત વડોદરાની કોઇ ગલી તેવી નહી હોય જ્યાં કોઇ કામ નહી કરતું હોય
તેમણે વધુમાં જણાવ્યું કે, મોટા ભાગનો વિસ્તાર આજ રાત સુધી સાફ કરવાનું સંપુર્ણ પ્લાનીંગ કરવામાં આવ્યું છે. હું ગઇ કાલે જે વિસ્તારમાં ગયો હતો. ત્યાં ફરી એ વિસ્તારમાં ગયો છું. જે લોકોને કાલે મળ્યો હતો, તેમને આજે ફરી મળ્યો છું. રસ્તામાં જે કોઇ ફરિયાદ મળી હતી, તેમના ઘરે ટીમો મોકલવામાં આવી છે. આખી ટીમની અલગ અલગ જવાબદારી ઝોન પ્રમાણે લીધેલી છે, તે કાલે આખી રાત કામ ખેંચવું પડે તો પણ આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે. . સરવે કાલનો ચાલુ થઇ ગયો છે. રેસીડેન્શનલ, કોમર્શિયલ સરવે થઇ રહ્યું છે. હજી એક-બે દિવસ લાગશે, હું ફરી આવવાનો છું, ત્યારે વધુ વિગતો આપવામાં આવશે. વડોદરા અવ્વલ છે, વધુ અવ્વલ કઇ રીતે બને તે માટે ટીમો અને મશીનરી કામે લાગ્યા છે. પૂર ગ્રસ્ત વડોદરાની કોઇ ગલી તેવી નહી હોય જ્યાં કોઇ કામ નહી કરતું હોય.
તેમણે ઉમેર્યું કે, આ આપણા લોકો છે, તેમને પડેલી તકલીફ આપણને નહી કહે તો કોને કહેશે ! જેની પર વિશ્વાસ હોય, તેને તકલીફ જણાવશે. લોકોને મળ્યા છીએ, તેની તકલીફ જાણી છે, ખુલ્લા મને મળ્યા છે, છેક સુધી વધુમાં વધુ લોકોને સાંભળશું. અમે તેમના છીએ અને તેઓ અમારા છે. તેમણે તકલીફ ભોગવી છે, તો એ જરૂરથી કહેશે, અમા્રે સાંભળવાનું છે અને રસ્તો કાઢવાનો છે, તે માટે એક રાત નહી, રાતોરાત જાગીશું. વડોદરાને જે જોઇશે તે બધુ જ મળશે. વડોદરાના વિકાસના કોઇ પણ કામો નહી અટકે. કોઇ કચાશ રહી ગઇ હશે તે પૂર્ણ કરવામાં આવશે. સુરતમાં જ્યારે પ્લેગ આવ્યું, ત્યારે સરકારે અને આપણા લોકોએ સાથે મળીને કામગીરી કરી, અને નંબર – 1 બનાવ્યું. વડોદરાને પણ નંબર – 1 બનાવીશું. કોઇ રોકી નહી શકે, સાથે મળીને અમે બધાયે સંકલ્પ લીધો છે. ખુણે ખુણે શું શુ જરૂરીયાત છે, હજી વધુ શું કરી શકીએ, વડોદરામાં આ વર્ષે 1500 સફાઇ કર્મીઓની ભરતી થઇ, બધી જ રીતે તૈયાર છીએ.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડોદરાના વિકાસ માટે ગત અઠવાડિયે રીંગ રોડ માટે 300 કરોડ મંજૂર કરવામાં આવ્યા, કાલે મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી રીવર રીડેવલોપમેન્ટ માટે રૂ. 1200 કરોડની જાહેરાત કરી છે. પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે જે કોઇ જરૂરીયાત હશે, તે પુરી કરવામાં આવશે. આવા કપરા સમયે કોઇ પણ રાજનીતિ ન કરવી જોઇએ. મુશ્કેલ સમયમાં એકબીજાને સહયોગ કરવો ગુજરાતીઓના સ્વભાવમાં છે. અમદાવાદ અને સુરત પાલિકાઓ જે લોકો મોકલવાના હોય તેઓ કામ કરી રહ્યા છે. પાલિકા કોઇને કામ પર રાખે તો કોઇ વ્યક્તિ કહેતું હોય કે ચીટિંગ થઇ છે, તો તેવા વ્યક્તિની માહિતી લાવો આ રીતે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે તે યોગ્ય છે ખરૂં ! આવી મુશ્કેલ ઘડીમાં આવી રાજનીતિ કરવાની !
તેમણે આખરમાં જણાવ્યું કે, હું કોર્પોરેટરોને ખરેખર આભાર માનું છું. સફાઇ કર્મચારીઓની જોડે ખભેખભા મીલાવીને કામ કર્યું છે. મને લાગે છે કે કોર્પોરેટરોએ નક્કી કરી લીધું છે કે, વડોદરાને ગુજરાતમાં નહી પણ દેશમાં નંબર – 1 કેવી રીતે બનાવવું ! આ જીદ કોર્પોરેટરોમાં હોવી જોઇએ. તેમનામાં આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જીદ મને બે દિવસમાં તમામ કોર્પોરેટરોમાં જોવા મળી છે.