શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ટોળકીને વડોદરા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા ભેજાબાજ ગઠિયાઓ વિરુદ્ધ દેશના 19 રાજ્યોમાં કુલ 150થી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
શેર બજારમાં રોકાણ કરીને ખૂબ જ ઝડપી નફો આપવાની લાલચમાં અનેક ગઠિયાઓ ઓનલાઇન માધ્યમથી રોકાણકારોનો સંપર્ક કરે છે. જે રોકાણકારોને શરૂઆતમાં તો સારું એવું રિટર્ન બતાવીને વધુ પડતું રોકાણ મેળવીને ગઠિયાઓ ઠગાઈ કરીને પલાયન થઈ જતા હોય છે. એવો જ એક કિસ્સો વડોદરામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જાણવા મળ્યો છે.
વડોદરાના એક નાગરિકે ફેસબુક પર શેર માર્કેટની એડ જોઈને તેના પર ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા. જે બાદ તેઓને એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવીને દસ હજાર રૂપિયા વોલેટ બેલેન્સ આપવામાં આવ્યું હતું. ફરિયાદી રોકાણકારે ગઠિયાઓએ બતાવેલી એપ્લિકેશન પર KYC કર્યા બાદ IPO માટે એપ્લાય કરવા વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ એપ્લિકેશન ઉપર લિંક મોકલીને રોકાણ કરવા જણાવ્યું હતું. અને વિવિધ કંપનીઓના શેર ખરીદીને કુલ 1,43,840 રૂ. જેટલો પ્રોફિટ બતાવી ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવીને વિશ્વાસ કેળવ્યો હતો.
ત્યારબાદ ગઠિયાઓએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું. ટૂંક જ સમયમાં ખૂબ સારું રિટર્ન મેળવનાર ફરિયાદીએ ભેજાબાજ ટોળકી પર વિશ્વાસ રાખીને 10,67,960 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે નાણાં ભેજબાજોની એપ્લિકેશન પર જમા થઈ ગયા બાદ ટોળકી પલાયન થઈ ગઈ હતી. ટોળકીએ આપેલા ફોન નંબર પણ સ્વીચ ઓફ થઈ જતા આખરે સાયબર ફ્રોડ નો ભોગ બનેલા ફરિયાદીએ વડોદરા સાયબર ક્રાઇમની ટીમને ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે 9,24,120રૂ. ની છેતરપિંડી થયાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી..
વડોદરા સાયબર ક્રાઇમની ટીમે તપાસ દરમિયાન શહેરના વાડી વિસ્તારમાં રહેતા અહેમદ રઝા દરોગા તેમજ અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ શેર માર્કેટ સ્કેમમાં રોકાણકારો તરફથી આવતા નાણાકીય વ્યવહારોને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ડમી બેંક એકાઉન્ટ ખોલવાની કામગીરી કરતા હતા. સીમકાર્ડ સહિત બેંક એકાઉન્ટ ઓપન કર્યા બાદ તમામ કીટ શેર માર્કેટના સ્કેમ કરતી ટોળકીને સપ્લાય કરી દેવામાં આવતી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, પકડાયેલા બંને ગઠિયાઓએ ખોલાવેલા બેંક એકાઉન્ટમાં સાત કરોડથી વધુની લેવડદેવડ થયેલી છે. જ્યારે વડોદરાના આ બંને આરોપીઓએ ખોલાવેલા બેંક એકાઉન્ટની નાણાકીય લેવડ-દેવડ સામે દેશના 19 રાજ્યોમાં 150 થી વધુ ફરિયાદો નોંધાયેલી છે.વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાણાંકીય કૌભાંડમાં સંડોવાયેલા વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.