- ચૂંટાયેલા સભ્યો સંગઠનના કહ્યામાં નથી?,કોના ઈશારે ધાકધમકી અપાઈ?
- ડીઝલ ચોરી બંધ કરાવવાની અરજીમાં તાલુકા પંચાયત સદસ્યને કેમ લાગી આવ્યું?
- અમારૂ નામ લઇશ તો તમે જીવતો નહીં છોડીએ. જો કે, આ ઘટનાક્રમ સમયે સોસાયટીના રહીશો ઉઠી જતા બંને ત્યાંથી નાસી છુટ્યા
વડોદરા જીલ્લાના સાવલીમાં ડીઝલચોરીના ધંધાને લઇને પોલીસ મથકમાં કરવામાં આવેલી અરજીની અદાવત રાખીને મધરાત્રે મજરમારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવવા પામી છે.જેમાં ફરિયાદીના જ કૌટુંબીક બે શખ્સો સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાવલી પોલીસ મથકમાં જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રણજીતસિંહ ધુળસિંહ પરમાર (રહે, પ્રતાપપુરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 25 જુલાઇ – 24ના રોજ તેઓ ઘરે હાજર હતા. તેવામાં રાત્રે પોણા બાર વાગ્યાના આરસામાં વિક્રમસિંહ રતનસિંહ પરમાર (રહે. પ્રતાપપુરા, ડેસર) તથા રાજદીપસિંહ રામસિંહ પરમાર (રહે. જશોદા નગર, સાવલી) તેમને કુટુંબી થાય છે, તેઓ કાર લઇને ઘરે આવ્યા હતા. અને ઘરના ગેટ પાસે સતત હોર્ન મારી રહ્યા હતા. જેથી અત્યારે કોણ આવ્યું અને કોણ હોર્ન મારી રહ્યું છે, તે જાણવા તેઓ બહાર નિકળ્યા હતા.
ઘર બહાર નિકળતા બંને દેખાયા હતા. અને બંનેએ બેફામ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. જેથી પાડોશી પણ ઉઠીને દોડી આવ્યા હતા. દરમિયાન બંનેને ગાળો બોલતા અટકાવવા જતા વિક્રમસિંહે કહ્યું કે, તે અમારા વિરૂદ્ધમાં ડીઝલના ધંધા બંધ કરાવવા માટે પોલીસમાં અરજી કરી છે. બાદમાં બંનેએ ઉશ્કેરાઇને બેફામ વર્તન ચાલુ રાખ્યું હતું. તે પછી બંનેએ ધમકી આપી કે, અમારૂ નામ લઇશ તો તમે જીવતો નહીં છોડીએ. જો કે, આ ઘટનાક્રમ સમયે સોસાયટીના રહીશો ઉઠી જતા બંને ત્યાંથી નાસી છુટ્યા હતા.
આખરે ઉપરોક્ત મામલે વિક્રમસિંહ રતનસિંહ પરમાર (રહે. પ્રતાપપુરા, ડેસર) તથા રાજદીપસિંહ રામસિંહ પરમાર (રહે. જશોદા નગર, સાવલી) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ સાવલી પોલીસે બંને આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એવી તો શું મજબૂરી હતી કે, ડિઝલચોરીની ફરિયાદમાં તાલુકા પંચાયત સભ્યએ ફરિયાદી પૂર્વ જીલ્લા પંચાયત સભ્યને ધમકી આપવી પડે?
ફરિયાદી રણજીતસિંહ પરમાર જીલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને હાલ તેઓના ધર્મપત્ની જીલ્લા પંચાયતના ભાજપના સભ્ય છે.ધમકી આપનાર આરોપી રાજદીપ રામસિંહ પરમાર હાલ ભાજપના મેન્ડેડથી સાવલી તાલુકા પંચાયતનો સભ્ય છે. ફરિયાદી અને આરોપી બંને ભાજપ સાથે જોડાયેલા હોય રાજકીય મોરચે ચર્ચા જાગી છે. તાલુકા પંચાયત સભ્યએ જીલ્લા પંચાયત સભ્યના ઘરે જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળાગાળી કાર્યના કિસ્સા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
ભાજપમાં ચાલી રહેલી આંતરિક ભાંજગડ પર સંગઠનનો કોઈ કંટ્રોલ રહ્યો નથી. જ્યારે ફરીયાદી દ્વારા ડીઝલ ચોરીની કરેલી અરજીમાં તાલુકા પંચાયત સદસ્ય રાજદીપસિંહ પરમારને કેમ લાગી આવ્યું તે પણ સવાલ ઉભો થાય છે.