હું ઘરે ગયો અને તેવામાં મને કોઇ બોલાવવા આવ્યું હતું. તેણે મને કહ્યું કે, તમારા દિકરા તપનને તલવાર મારી દીધી છે – મૃતકના પિતા
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મહેતા પોળમાં યુવકો વચ્ચે માથાકુટ થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની મદદ માટે પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમાર (રાજા) નો પુત્ર તપન હોસ્પિટલમાં હાજર હતો. દરમિયાન આરોપી બાબર ખાનને પણ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેવામાં બાબર ખાને તપનને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટના પોલીસની હાજરીમાં ઘટી હોવાનું પ્રત્યદર્શીએ મીડિયાને જણાવ્યું છે. આ ઘટનાને લઇને પોલીસ અને હોસ્પિટલની સિક્યોરીટી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તપન પરિવારનો એકમાત્ર સંતાન હતો. અને બે મહિના બાદ તેના લગ્ન લેવાના હોવાનું તેના પરિજનનું કહેવું છે. સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઇને મૃતકના પિતા રમેશ પરમારએ મીડિયાને જણાવ્યું કે, નવી ધરતી ગોલવાડમાં બે લોકો જોડે મારા મારી થઇ હશે. વિક્રમ અને ભયલુને બાબરખાને માર્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે લોકોને જોવા માટે મારો દિકરો એસએસજી હોસ્પિટલમાં આવ્યો હતો. હું પણ અહિંયા જ હતો. ઇજાગ્રસ્તોનો કેસ કઢાવીને તેમને બોટલ ચઢાવીને ઇન્જેક્શન પણ અપાવ્યા હતા. મેં મારા દિકરાને કહ્યું કે, આ લોકોની સારવાર પતી જાય એટલે તું ઘરે આવી જજે. જે વાતે તે સહમત થયો હતો. પછી હું ઘરે ગયો અને તેવામાં મને કોઇ બોલાવવા આવ્યું હતું. તેણે મને કહ્યું કે, તમારા દિકરા તપનને તલવાર મારી દીધી છે. જેથી હું તુરંત પાછો હોસ્પિટલ આવ્યો હતો. અને જોયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ જે કંઇ બનાવ બન્યો છે, તે ખોટું છે. જો ખુલ્લેઆમ આવી રીતે મારવામાં આવતા હોય તો આવા તત્વોને ફાંસીની સજા આપવી જોઇએ. બાબર પર અનેક કેસો થયા હોવાનું જાણવા મળ્યું છે. તપન હવે આ દુનિયામાં નથી રહ્યો. તેનું મૃત્યુ થઇ ગયું છે. તે મારો એકનો એક દિકરો હતો. બે મહિના પછી તેના લગ્ન પણ લેવાના હતા. અમારૂ માનવું છે કે, આ પોલીસની નિષ્ક્રિયતા છે, અથવા તો તેઓ પણ મળેલા છે. પોલીસ કોઇ ગુનેગારને લઇને આવતી હોય ત્યારે તેણે તેનું ચેકીંગ કરીને લાવવાનું હોય. આ ઘટનામાં સીસીટીવી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે, કારેલીબાગમાં મહેતાપોળ વિસ્તારમાં ઝઘડો થયો હતો. જે અનુસંધાને ત્રણ વ્યક્તિ વિક્રમ, બાબર તથા અન્યને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલના ફરી ઝઘડો થયો હતો. જેમાં બાબરએ તપનને છરીના ઘા ઝીંકી દીધા છે. બાબર સામે અગાઉ ગુના નોંધાયા છે.