આગામી નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા મંડપોમાં કોઇ અનિચ્છનીય બનાવો ના બને તે માટે સેફ્ટીની માર્ગદર્શિકા પ્રાદેશિક અગ્નિશમન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે.
- મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં આયોજકોએ પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
- ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાની જવાબદારી ગરબા સંચાલકો, આયોજકોની રહેશે
આ માર્ગદર્શિકા મુજબ નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટ્રેમ્પરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કુલ, હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દુર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરનાં વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાનાં રહેશે. માર્ગમાં અવરોધક વસ્તુઓ દુર કરવાની રહેશે.
પ્રાદેશિક અગ્નિશમન અધિકારી શ્રી અનિરુદ્ધસિંહ એ. ગઢવીએ જણાવ્યું કે, નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઈલેકટ્રીક સબ સ્ટેશન, ઈલે. ટ્રાન્સફોર્મરર, ઈલે. સબ. સ્ટેશન, ઈલે. હાઈટેન્શનલાઈન કે રેલ્વે લાઈનથી દુર કરવાનાં રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે 02 મીટરથી ઓછુ અંતર હોવું જોઈ નહિ. આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રકચરની અંદર કોઈપણ પ્રકારનાં સ્ટોલ બનાવવાનાં રહેશે નહી તથા આ સ્ટ્રકચરનાં સ્ટેજની નજીક કે સ્ટેજનાં નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા કોઈપણ પ્રકારનાં ધન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહીં.
નવરાત્રીના પંડાલમાં ફીક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહીં ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. પંડાલમાં દૈનિક કેટલા વ્યકિતઓ/દર્શકો/ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.
નવરાત્રી આયોજક દ્વારા ઓછામાં ઓછા બે આપતકાલીન દરવાજા રાખવાના રહેશે જે પરસ્પર વિરુદ્ધ દીશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે 05 મી. ઓપનીંગ હોય તે મુજબનું રાખવાનું રહેશે. નવરાત્રી આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચુક ઓટો ગ્લોવ મટીરીયલમાં સાઈન લગાવવા “NO SMOKING ZONE”, “Exit”, “Emergency Exit”. નવરાત્રી આયોજક દ્વારા કરવામાં આવેલ સીટીંગ વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી પેસેજ આપવામા આવેલ હોવો જોઈએ જેની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મી. હોવી જોઈએ.
આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રીટાઈન્ડન્ટ પેઈન્ટ કરાવવા વધુમાં જમીન ઉપર બિછાવવા જો કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરિક્ષત રહે તે મુજબ રાખવાના રહેશે.
આયોજકો દ્વારા મંડપમાં કરવામાં આવતા ઈલેક્ટ્રીક વાયરીંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઈલેક્ટ્રીક વાયરીંગ અંગે ગવર્નમેન્ટ એપ્રુવડ ઈલેક્ટ્રીક ઈજનેરશ્રી પાસે ચકાસણી કરાવવાની રહેશે ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોનું ઈસ્ટોલેશન IS-1646-1982 મુજબ કરવાનું રહેશે.
પંડાલમાં કરવામાં આવનાર વાયરીંગ પીવીસી આવરણ વાળા કંડક્ટર અથવા ટફ રબર વર્લ્ડનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરીંગના તમામ જોઈન્ટ પોસેલેઈન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવાના રહેશે. આયોજકો દ્વારા ડિઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દુરના અંતરે રાખવાનું રહેશે.
ઈલેક્ટ્રીકનું મુખ્ય સ્વીચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ. માં બનાવવામાં આવેલ હોવું જોઈએ તથા આવા હંગામી મંડપથી દુરના અંતરે ઈલેક્ટ્રીક જંક્શન બોર્ડ પાઈલોટીંગ લાઈટ સાથે ઉપબ્ધ કરાવવાના રહેશે. સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રીક લાઈટીંગ, બલ્બ કે ટ્યુબલાઈટ કે તેના કોઈ પાર્ટ્સ કે મંડપના કોઈ ભાગ કે સુશોભન અથવા સળગી ઉઠે તેવી જવલંનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા ૧૫ સે.મી.ની અંદર રાખવાના રહેશે.
આવા પંડાલમાં કે પંડાલની બહારના સળગી ઉઠે તેવી જવલનશીલ સામગ્રી કે પદાર્થ, પ્રવાહી રાખવાના રહેશે નહીં તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહીં. સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવન કુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પુરતી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવાની તથા આવી જગ્યાની છત ઉપર સી-આઈ/જી.આઈ સીટ 6 સે. મી. કરતા ઓછી ન હોય તે મુજબની રાખવાની રહેશે.
મંડપમાં માતાજીની મુર્તિ પાસે રાખવામા આવતા દીવા નીચે રેતી અચુક રાખવાની રહેશે. અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયંમ સેવક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રાખવાના રહેશે. મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમ્યાન ફાયર એક્ષટીંગ્યુંશરના ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યકિતઓને અચુક રાઉન્ડ ધ ક્લોક રાખવાના રહેશે.
પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફ્લોર એરિયાના 0.75 લી/સ્કવેર મીટર કરતા ઓછો હોવો જોઈએ નહીં તથા પાણીનો પુરવઠો ડ્રમ/બકેટમાં સુવ્યવસ્થિત ઝળપથી ઉપયોગમાં લઈ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે.પ્રત્યેક 100 ચો. મી. વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમ્યાન 02 નંગ એબીસી ફાયર એક્ષટીંગ્યુશર 06 કી.ગ્રા.ની ક્ષમતાના તથા 02 નંગ સીઓટુ ફાયર એક્ષટીગ્યુંશર 4.5 કી.ગ્રા. ની ક્ષમતાના અને 200 લી. પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા તથા રેતી ભરેલી ૨ બાદલી અચુક આ મંડપ પ્રીમાસીસમાં ઉપલબ્ધ કરવાના રહેશે.
સંચાલકોને જણાવવામાં આવે છે કે ઉક્ત સુચના ફક્ત ફાયર સેફટીના સલામતી અર્થે આપવામાં આવે છે. ફાયર વિભાગ સિવાયના અન્ય ઓથોરિટી જેવી કે પોલિસ વિભાગ, ટ્રાફિક વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગો થકી આપવામાં આવતી સુચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગત વિભાગના ના-વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે.
આગ અકસ્માતનાં કેસમાં તાકીદે ફાયર વિભાગનાં 101, 102 નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. તમામ સ્ટેજ તથા ગ્રાઉન્ડ ફરતે વાપરવામાં આવેલ કાપડમાં ફાયર રિટારડન્ટ પેઈન્ટનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરોક્ત સૂચનોનું ચૂસ્ત પાલન કરવાની જવાબદારી આયોજકો/સંચાલકોની રહેશે.