15 લાખની કિંમતના 6 કામો માંથી 10 લાખની કિંમતના 4 કામો મંજુર થયા જેમાંથી ત્રણ કામો પેવરબ્લોકના
મંજુર થયેલા ચાર કામો માંથી બે કામ કેતન ઠાકોર અને બે કામ ધર્મેશ પટેલે કર્યા
પેવરબ્લોકના મંજુર થયેલા કામોમાં સપ્લાયર તરીકે “ભવાની પેવર્સ” રસિકભાઈની ફેક્ટરી?
વડોદરા તાલુકામાં વર્ષ 2024 -25ના બજેટના લોક હિતાર્થે જી.પંચા. પ્રમુખ તરફથી સુચવેલા કામોમાં પણ લખાયેલા પેવરબ્લોકના કામોમાં “જ્યાં ઈજારદાર કેતન ઠાકોર, ત્યાં સપ્લાયર ભવાની પેવર્સ!”
વડોદરા જીલ્લા ભાજપ કાર્યાલય જાણે હવે પેવરબ્લોકના વેપારનું કેન્દ્ર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ પેવરબ્લોકના વેપારી છે. અને હવે તેઓ પોતાના પદ અને સંગઠનનો ઉપયોગ કરીને પોતાનો વેપાર વધારી રહ્યા રહ્યા હોવાનું જીલ્લામાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપનો હોદ્દો મળતા જ રસિકભાઈ પ્રજાપતિ પોતે ગ્રાન્ટ લખી રહ્યા હોય તેમ સૂચનો પણ લખે છે. એટલું જ નહિ તેઓએ લખેલી ગ્રાન્ટના સૂચનોમાં તેમનો જ માણીતો ઈજારદાર કામ કરે છે. તેઓએ જીલ્લા ભાજપ અધ્યક્ષના લેટરપેડ પર મોટાભાગના પેવરબ્લોકના કામો લખ્યા છે. અને મોટાભાગના કામોમાં તેમની ફેક્ટરી પરથી જ પેવરબ્લોક સપ્લાય થાય છે. મોસાળમાં જમણવાર અને માં પીરસનાર હોય તેમ રસિક પ્રજાપતિ અને તેમના માનીતા કોન્ટ્રાક્ટર સત્તાનો પુરેપુરો ઉપયોગ કરીને સંગઠનને વેપારનું કેન્દ્ર બનાવી બેઠા હોવાના પુરાવાઓ સામે આવ્યા છે.
ગત 20 ઓગસ્ટે રસિકભાઈ પ્રજાપતિએ વડોદરા તાલુકા પંચાયત પ્રમુખને એક પત્ર લખ્યો, જે પત્રમાં તેઓએ 15 લાખના કામોનું આયોજન લખીને તે કામોને મંજુર કરવા માટે વિનંતી કરી, જીલ્લા ભાજપ અધ્યક્ષ હોવાને કારણે તેઓ ચુંટાયેલા પ્રતિનિધિઓને વિકાસના કામોની વિનંતી કરી શકે. જેમાં કામોના અંદાજીત ખર્ચ માટે દરખાસ્ત આવ્યા બાદ એસ્ટીમેટ નીકળતું હોય છે. અહિયાં તો રસિકભાઈએ વિકાસના કામોમાં તેની સામે રકમ પણ લખી દીધી છે..આ લેટરમાં રસિકભાઈએ સુચવેલા 6 કામો માંથી 4 કામોને તાલુકા પંચાયતની વર્ષ 2025-26ની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ માંથી મંજુરી મળી ગઈ,.. રસિકભાઈએ ચુંટણી લડ્યા કે જીત્યા વિના 15 લાખના આયોજન માંથી 10 લાખના આયોજનની મંજુરી મેળવી લીધી.
તેઓના મંજુર થયેલા ચાર કામો પૈકી ત્રણ કામો ફક્ત પેવરબ્લોકના હતા.. જયારે એક કામ પતરાના શેડનું હતું. મંજુર થયેલા ચાર માંથી બે કામ રસિકભાઈના માનીતા ઈજારદાર અને તાલુકા ભાજપના મહામંત્રી કેતન ઠાકોરના ફાળે ગયા. જયારે બે કામો ઈજારદાર ધર્મેશ પટેલના ફાળે ગયા.. 10 લાખ માંથી 7 લાખનો ખર્ચ પેવરબ્લોકમાં થવાનો હતો. જેથી ઈજારદારોએ પેવરબ્લોકનો સપ્લાયર પણ શોધવો પડે..!!
પણ અહિયાં તો આયોજન લખનાર રસિકભાઈ પ્રજાપતિ પોતે જ પેવરબ્લોકના સ્પ્લાયર હતા. રસિકભાઈએ આપેલા આયોજન અને મંજુર થયેલા આયોજન પ્રમાણે પાતરવેણી ગામે વણકરવાસ માં 2 લાખના ખર્ચે પેવરબ્લોક નાખવામાં આવ્યા.. આ પેવરબ્લોક પર ભવાની પેવર્સનો સિમ્બોલ હતો. જે ફેક્ટરી રસિકભાઈ પ્રજાપતિ અને પરિવારની માલિકીની છે. બીજી બાજુ કોન્ટ્રાકટર ધર્મેશ પટેલ દ્વારા તતારપુરા ગામે ભાલીયા ફળિયામાં પાથરવામાં આવેલા અઢી લાખના પેવરબ્લોક અને રતનપુર ગામે રાઘુભાઈ ભરવાડના ઘર પાસે પાથરવામાં આવેલા અઢી લાખના પેવરબ્લોક પણ પાથરવામાં આવ્યા હતા.
રસિકભાઈએ લખેલા 10 લાખના આયોજન માંથી 7 લાખના પેવરબ્લોકના કામ અને સાતેય લાખના પેવરબ્લોક તેમની જ ફેક્ટરી માંથી ખરીદવામાં આવે, તે કોઈ સંયોગ નથી. આ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, રસિકભાઈનો માણીતો ઈજારદાર કેતન ઠાકોર જીલ્લા પંચાયત અને અન્ય ગ્રાન્ટ માંથી મંજુર થયેલા પેવરબ્લોકના મોટાભાગના કામોમાં પણ ભવાની પેવર્સ એટલે કે રસિકભાઈ પ્રજાપતિની ફેક્ટરી માંથી પેવરબ્લોક ખરીદે છે. મહત્વની વાત એ છે કે , કોન્ટ્રાકટર કેતન ઠાકોરે સલાડ, રુવાદ, અણખી સહિતના ગામોમાં જ્યાં પણ પેવરબ્લોકના કોઈ ગ્રાન્ટ માંથી મંજુર થયેલા કામો કર્યા તે તમામ પેવરબ્લોક રસિકભાઈ પ્રજાપતિની ફેક્ટરી માંથી ખરીદવામાં આવ્યા છે.
ભાજપની સત્તામાં આવ્યા બાદ ભાગબટાઈના આ ધંધાની યોગ્ય તપાસ થાય તો વડોદરા તાલુકાના રુંવાદ,સલાડ, રાઘવપુરા, મારેઠા, સમસપુરા,રાભીપુરા, સામસાબાદ,શાહપુરા સહિતના ગામોમાં ઈજારદાર કેતન ઠાકોર દ્વારા અન્યત્ર ગ્રાન્ટ માંથી કરવામાં આવેલા કામોમાં પણ જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિની ભવાની પેવર્સ ફેકટરીના પેવરબ્લોક મળશે. રસિકભાઈ પ્રજાપતિનું કહેવું છે કે તેઓ 2007થી પેવરબ્લોકના વેપારમાં છે. અને પક્ષની સત્તા સંભાળ્યા પહેલાથી વેપાર કરે છે. લોકોની રજૂઆત આવે એટલે અમે વિકાસના કામોનું આયોજન લખીએ છે. જે ઈજારદારોએ કામ કર્યા છે તેઓ પહેલાથી જ મારી ફેક્ટરીના બ્લોક ખરીદે છે.
પણ સવાલ એ થાય કે, પોતે લખેલા સૂચનોમાં પોતે જ સપ્લાયર થવું? જીલ્લા ભાજપ અધ્યક્ષ થયા પછી વડોદરા તાલુકાના લગભગ મોટા ભાગના કામોમાં રસિકભાઈના પેવરબ્લોક સપ્લાય થવા, જીલ્લા અને તાલુકા તેમજ અન્ય ગ્રાન્ટમાં અચાનક જ પેવર બ્લોકના કામોની સંખ્યા વધી જવી, અને રસિકભાઈના નજીકના ઈજારદારોને હસ્તક કામોની સંખ્યા પણ અચાનક વધારો થવો, આ તમામ સંયોગ એક તરફ ઇશોરો કરે છે. જે કઈ પણ થઇ રહ્યું છે તે સત્તાનો ભરપુર ફાયદો ઉઠાવીને પોતાને અને માનીતાને ફાયદો પહોચાડવા માટેની સુનીયોજિત વ્યવસ્થા ગોઠવાઈ છે. ભાજપમાં ક્યારેય આવી ગોઠવણ વાળી સત્તા જોવા મળી નથી. પેવરબ્લોકનો વેપાર અચાનક કેવી રીતે વધ્યો તે મામલે યોગ્ય તપાસ થાય તો ભાજપ દ્વારા મળેલી સત્તા અને વિવિધ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને છેલ્લા છ મહિનામાં કોનો કોનો વિકાસ થયો તે બહાર આવે તેમ છે.