પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને જીવામૃત અને ઘનામૃતનું કરી રહ્યા છે વિનામૂલ્યે વિતરણખેતી કરવી એ પ્રકૃતિની આરાધના કરવા સમાન, ખેતી માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ પદ્ધતિ: મહંતશ્રી સીતારામદાસ મહારાજ
મહંત શ્રી સીતારામદાસ મહારાજના સાનિધ્યમાં શાસ્ત્રોના સૂત્રોથી સિંચાઈ રહ્યું છે ‘મોડેલ પ્રાકૃતિક કૃષિ ઉપવન’
આસપાસના ગામના ૨૦૦૦ લોકોએ આ મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેતીની નવતર પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી
વડોદરાના કરજણ તાલુકાના કહોણા ગામમાં આવેલો શ્રી રામાનંદ આશ્રમ, આધ્યાત્મિક શાંતિ અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફોર્મનું અનોખું ઉદાહરણ છે. આ આશ્રમના મહંત શ્રી સીતારામદાસ મહારાજે માત્ર ભક્તિમાર્ગ જ નહીં, પરંતુ પ્રકૃતિપ્રેમનો પણ માર્ગ દર્શાવ્યો છે. તેઓ છેલ્લા ૧૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને ‘જળ, જમીન અને જન’ની સેવા કરી રહ્યા છે.
મહંત શ્રી સીતારામદાસજી મહારાજ વર્ષ ૧૯૯૧ માં પોતાના ગુરુજી પંડિત શ્રી અખિલેશ્વર મહારાજની આજ્ઞાથી નર્મદા મૈયાના કિનારે અને પ્રકૃતિના ખોળે વસેલા એવા કરજણ તાલુકાના કહોણા ગામે આવીને આશ્રમ સ્થાપીને પ્રભુ ભક્તિમાં જોડાયા હતા. મહંતજી તેમના ગુરુજી સાથે અહીં રહ્યા અને આ જગ્યા પર ભજન-કીર્તન કરવા સાથે તેમના આશ્રમની જગ્યામાં ગૌસેવા કરવાની શરૂઆત કરી.
Advertisement
ગૌ સેવા સાથે પ્રકૃતિની સેવા કરી શકાય તેવા આશયથી તેમણે આજ થી ૧૩ વર્ષ પહેલા તેમણે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી દીધી હતી. આજે આશ્રમમાં રાખવામાં આવેલી ૮૦ જેટલી દેશી ગાયો, ખેતી માટે જરૂરી જીવામૃત અને અન્ય પોષક તત્વો પૂરા પાડીને આ ખેતીનો આધાર બની છે. તેઓ ઈન્ટરક્રોપ કરે છે તે સાથે જીવામૃત અને ઘન જીવામૃત પોતાના જાતે જ બનાવે છે.
આજે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા મહંતજી તેમના ૧૫ વીઘા જમીનમાં લીંબુ, ખજૂર, હળદર અને વિવિધ ફળો- શાકભાજીનું વાવેતર કર્યું છે. તેમના ખેતરમાં આજે ૫૨૦ જેટલા લીંબુના ઝાડ છે. લીંબુ સાથે સીઝનલ ખેતીમાં ગુલાબ, સહિત ફળોમાં પણ પ્રાકૃતિક ખેત પદ્ધતિથી મબલખ પાક મળી રહ્યો છે.
તેમના સફળ પ્રયોગોના કારણે તેમના ફાર્મને આત્મા દ્વારા ‘મોડેલ ફાર્મ’ તરીકે ઓળખ આપી છે. તેમના ખેતરમાં ખાસ કરીને લીંબુ અને ફળોનું ઉત્પાદન એટલું બધું થાય છે કે અન્ય ખેડૂતો પણ તેમના માર્ગદર્શન માટે અહીં આવે છે. મહંતજીની આ પ્રેરણાદાયી પ્રયત્નોને આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ સહકાર મળ્યો છે. આત્મા દ્વારા જીવામૃત- ઘનજીવામૃત બનાવવા માટે જરૂરી સાધનોની પણ સહાય આપવામાં આવી છે.
ખેતી કરવી એ પ્રકૃતિની આરાધના કરવા સમાન છે, આ વિચારને મહંતજી એ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થકી પોતાના જીવનમાં ઉતારીને પુરવાર કર્યું છે. તેઓના મતે આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના પૂરક છે. તેમના આશ્રમમાં બનાવેલું ‘મોડેલ ફાર્મ’ એ વાતનો જીવંત પુરાવો છે.
પ્રાકૃતિક ખેતી વિશે મહંતજી શ્રી સીતારામદાસ મહારાજ જણાવે છે કે, જીવનનો સાચો હેતુ માત્ર આધ્યાત્મિક ઉન્નતિ જ નહીં, પરંતુ પ્રકૃતિ અને સમાજની સેવા પણ છે. આપણે પ્રકૃતિની સંભાળ રાખીશું, તો પ્રકૃતિ પણ આપણને પુષ્કળ ફળ આપશે. જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ થકી પ્રકૃતિનું શોષણ કરીશું તો પ્રકૃતિ પણ આપણું શોષણ કરશે.
આ આશ્રમ માત્ર પૂજા-પાઠનું કેન્દ્ર નથી, પણ પ્રાકૃતિક ખેતીના શિક્ષણ અને જાગૃતિનું પણ કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ લોકોએ આ મોડેલ ફાર્મની મુલાકાત લીધી છે અને આશ્રમ દ્વારા ખેતીની નવીન પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી છે. આસપાસના ગામના પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને વિનામૂલ્યે જીવામૃત અને ઘનામૃત પણ આપે છે.
આટલુજ નહીં, શ્રી રામાનંદ આશ્રમમાં ભક્તિ અને જ્ઞાનનું વાતાવરણ અવિરત રહે છે. અહીં અખિલેશ્વર મહાદેવ, શ્રી શનિદેવ, શ્રી સર્વેશ્વર ગણપતિ અને શ્રી હસમુખા હનુમાનજી બિરાજમાન છે, અને શાસ્ત્રીય પંડિતો દ્વારા સતત શાસ્ત્રોનું પઠન થાય છે. અહીં આ આશ્રમમાં નર્મદા પરિક્રમા, નર્મદા જયંતી, ચૂંદડી ઉત્સવ, અને હનુમાન જયંતી જેવા પર્વો ભવ્યતાથી ઉજવવામાં આવે છે.
મહંત શ્રી સીતારામદાસ મહારાજનો આ આશ્રમ ખરા અર્થમાં “આધ્યાત્મ, આરોગ્ય અને પ્રાકૃતિક ખેતી” નો અનોખો સંગમ છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે, “સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:,” મહંતજીએ આ ઉક્તિને પોતાની પ્રાકૃતિક ખેતી દ્વારા સાર્થક કરી બતાવી છે.