કોયલી ગ્રામ પંચાયતના તત્કાલીન વહીવટદાર દ્વારા ઈમરજન્સીમાં કામ કરાવીને બોરવેલ અને મોટર ફીટીંગનું ચુકવણું ન કર્યું હોવાના આક્ષેપ
લોકહિતના નામે 4 લાખના ખર્ચે બોર કરાવ્યો અને વહીવટી મંજુરી માત્ર 2.5 લાખની આવતા વિવાદ શરુ થયો
જીલ્લા પંચાયતના અધિકારીઓ ન્યાય ન આપાવે તો છેતરપિંડી પ્રકરણમાં ફોજદારી કાર્યવાહી કરવાની ઇજારદારની ચીમકી
વડોદરા તાલુકાના કોયલી ગામે મોટર રીપેરીંગના નામે વેપારી સાથે ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પત્ર વાયરલ થતા ચકચાર મચી છે. આ પત્રમાં ગ્રામ પંચાયતના વહીવટદારે મોટર રીપેરીંગ અને બોરવેલનું કામ કરતા ઈજારદાર પાસે નક્કી કર્યા પ્રમાણે કામ કરાવી દઈને ચુકવણું નહિ કરીને છેતરપીંડી કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં જીલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલી ફરિયાદના પત્રની કોપી ઇજારદારે વડોદરા જીલ્લાના તમામ સરપંચો અને તલાટીને મોકલી આપતા સમગ્ર જીલ્લામાં આ વિષયે ભારે ચર્ચા જાગી છે.
શહેરના કપુરાઈ ચોકડી નજીક મહેશ સબમર્સીબલ નામે પેઢી ધરાવતા રામભાઈએ વાયરલ કરેલા પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે કોયલી ગ્રામ પંચાયતના તત્કાલીન વહીવટદાર અને ક્લાર્ક દ્વારા કોયલીના અંબિકા પાર્કની બાજુમાં આવેલા બોરમાં મોટર ફસાઈ ગઈ હોવાથી તેને કાઢવા માટે થોડા સમય પહેલા અરજદાર રામભાઈને કોલ આવ્યો હતો. જોકે અરજદાર રામભાઈએ મોર કાઢવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ લોકો પાણી વગર ટળવડશે તેવી વિનંતી કરતા રામભાઈ તેઓના માણસો અને મશીનરી સાથે બોરમાં ફસાયેલી મોટર કાઢવા માટે પહોચ્યા હતા. જોકે ઘણા પ્રયત્નો બાદ પણ મોટર નીકળી શકી ન હતી.
જે બાદ કોયલી ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા નવો બોર કરી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. જોકે નવા બોર કરવા માટે કામગીરીની કોઈ વહીવટી મંજુરી મળી ન હોય રામભાઈએ બોર કરવાની ના પાડી દીધી હતી. ત્યારે ગ્રામ પંચાયતના વહીવટદારે વિનંતી કરી હતી કે “વહીવટી મંજુરીમાં બે ત્રણ મહિનાનો સમય લાગી જશે. ત્યાં સુધી લોકોને પાણીની તકલીફ પડશે. તમે બોર કરી આપો, અમે વહીવટી મંજુરી મેળવીને ચુકવણી કરી દઈશું.” તેમ કહેતા વહીવટદારની બાહેધરી પર 8 ઇંચનો બોર આશરે 300 ફૂટની ઊંડાઈ સુધી 4 લાખના ખર્ચે કરી આપવામાં આવ્યો હતો. આ કામની મંજુરી નાણાપંચ માંથી કરાવી આપવાની ખાતરી વહીવટદારે આપી હતી. જોકે 4 લાખના ખર્ચ સામે નાણાપંચ માંથી માત્ર અઢી લાખ જ મંજુર થયા હતા.
ત્યાર બાદ બોરમાં મોટર ઉતારવા માટે જણાવતા રામભાઈએ કોયલી ગ્રામ પંચાયતની જૂની પડેલી મોટરને રીપેર કરીને નવા પંપ અને અન્ય એસેસરીઝ સાથે ફીટીંગ પણ કરી આપી હતી.ત્યાર બાદ અરજદાર પાસે તબક્કાવાર સબમર્સીબલ મોટર રીપેરીંગ અને રીવાઈન્ડીંગ કરાવી હતી. અને કેટલીક વાર બગડેલી મોટર કઢાવીને પાછી ફીટીંગ પણ કરાવી હતી. આ કામગીરી બાદ જયારે થયેલા ખર્ચના બીલ ચુકવણીની વાત આવી ત્યારે વહીવટદાર દ્વારા ઉદ્દ્ધ્તાઈ પૂર્વક વર્તન કરીને બાકી રકમની ચુકવણીમાં આનાકાની કરીને “જે થાય તે કરી લો” તેવો જવાબ આપવામાં આવ્યો હતો.
રામભાઈએ વાયરલ કરેલા પત્રમાં જણાવ્યા અનુસાર તેઓ 35 વર્ષથી વડોદરા તાલુકા પંચાયતમાં કામગીરી કરે છે. અને મોટા ભાગના ગામોમાં તેઓએ કામગીરી કરેલી છે. કોયલી ગ્રામ પંચયાતના તત્કાલીન વહીવટદાર પોતે રાજકીય વગ ધરાવતા હોય અને રૂપિયા આપવા ન પડે તે માટે રાજકીય દબાણ લાવવાની પણ કોશિષ કરેલી છે. આ સાથે રૂપિયાનું ચુકવણું ન થતા કોયલી ગામમાં કરેલા બોરવેલને પાછો ખેંચી લેવાની લેખિત મંજુરી જીલ્લા વિકાસ અધિકારી પાસે માંગવામાં આવી છે.
આ પત્રમાં કરવામાં આવેલા આક્ષેપોની રજૂઆત લગભગ ઓગસ્ટ મહિનામાં જીલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી હોવાનું રામભાઈએ જણાવ્યું છે. જોકે આજદિન સુધી જીલ્લા વિકાસ અધિકારીએ સ્થળ વિઝીટ કરીને યોગ્ય ન્યાય મળે તેની પ્રક્રિયા પણ કરી નથી. આ સાથે છેતરપિંડી થયાની અરજી વડોદરા સાંસદ, જીલ્લા કલેકટર તાલુકા વિકાસ અધિકારી તેમજ ડભોઇ અને વાઘોડિયા ધારાસભ્યને પણ કરવામાં આવી હોવાનું ઈજારદાર રામભાઈએ જણાવ્યું છે. જો આગામી સમયમાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો છેતરપિંડી અંગે ફોજદારી ગુન્હો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ ઈજારદાર રામભાઈએ જણાવ્યું છે.