મુદ્દામાલ: વિદેશી દારૂ અને ઇકો ગાડી સહિત લાખોનો મુદ્દામાલ કબજે.
વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા બુટલેગરો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ઊભેલી ટ્રેનમાંથી વિદેશી દારૂની 58 પેટીઓ ઝડપી પાડી છે. આ મામલે SMC એ 4 શખ્સોની ધરપકડ કરી છે. જોકે, આ સમગ્ર ઘટનામાં સ્થાનિક રેલવે પોલીસની ભૂમિકા સામે અનેક સવાલો ઉભા થયા છે.
વડોદરા: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સચોટ બાતમી મળી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ ટ્રેન મારફતે દારૂનો જથ્થો વડોદરામાં ઉતારવામાં આવનાર છે. બાતમીના આધારે પ્લેટફોર્મ નંબર 6 પર વોચ ગોઠવીને SMC એ ઓપરેશન પાર પાડ્યું હતું.
🍾58 પેટી દારૂ અને ઇકો ગાડી જપ્ત:
ટ્રેન જેવી પ્લેટફોર્મ પર આવી કે તરત જ SMC એ ત્રાટકીને તપાસ હાથ ધરતા ટ્રેનમાંથી વિદેશી દારૂની કુલ 58 પેટીઓ મળી આવી હતી. આ જથ્થો ઉતારીને તેને સગેવગે કરવા માટે પ્લેટફોર્મ પર જ ઉભેલી એક ઇકો ગાડીને પણ પોલીસે કોર્ડન કરી લીધી હતી. દારૂનો જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં રહેલા 4 આરોપીઓને સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યા છે.
🧐રેલવે પોલીસની નિષ્ફળતા અને સવાલો:
SMC ના આ દરોડાએ રેલવે પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. ટ્રેન મારફતે આટલી મોટી માત્રામાં દારૂની હેરફેરી થતી હોય અને સ્થાનિક રેલવે પોલીસને તેની જાણ સુધ્ધાં ન હોય, તે બાબત અનેક શંકાઓ જન્માવે છે:
પ્લેટફોર્મ પર આટલો મોટો દારૂનો જથ્થો ઉતરતો હતો ત્યારે રેલવે પોલીસ ક્યાં હતી?
શું રેલવે પોલીસની મિલીભગતથી આ નેટવર્ક ચાલી રહ્યું છે?
ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા વચ્ચે દારૂની 58 પેટીઓ કેવી રીતે પહોંચી?
🚔SMC નો વડોદરામાં દબદબો:
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અગાઉ ડ્રગ્સ પેડલર સાથે SOG ના ASI ની ધરપકડ બાદ SMC એ ફરી એકવાર રેલવે પોલીસની નાકની નીચેથી દારૂ પકડીને પોતાની સક્રિયતા બતાવી છે. પકડાયેલ 4આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે કે આ જથ્થો કોણે મંગાવ્યો હતો અને તેના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે.
👉હાલમાં SMC એ તમામ મુદ્દામાલ અને આરોપીઓને આગળની કાર્યવાહી માટે રેલવે પોલીસને સોંપ્યા છે, પરંતુ જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે બેદરકાર પોલીસકર્મીઓ સામે શું પગલાં લે છે.