- અશાંતધારાનો વિસ્તાર: વડોદરાના તાંદલજા-ભાયલીને જોડતા જે.પી. રોડ પો.સ્ટે. હદના વધુ વિસ્તારો અશાંતધારામાં ઉમેરાયા.
- સરવે નંબરોનો સમાવેશ: તાંદલજાના વોર્ડ નંબર-૬ ના સિટી સરવે નંબર ૩૦૧-૪૦૦, ૧૧૦૦-૧૩૦૦ અને ૧૩૦૧-૧૪૦૦ ને કાયદા હેઠળ આવરી લેવાયા.
- મંજૂરી ફરજિયાત: મિલકત ખરીદ-વેચાણ, તબદિલી અને ભાડા કરાર માટે હવે જિલ્લા કલેક્ટરની મંજૂરી મેળવવી અનિવાર્ય.
- અમલવારી શરૂ: મહેસૂલ વિભાગના આદેશ બાદ વડોદરા કલેક્ટર કચેરી દ્વારા જાહેરનામાની અમલવારી તાત્કાલિક અસરથી શરૂ કરાઈ.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા અને ભાયલીને જોડતા વિસ્તારોમાં મિલકત ખરીદ-વેચાણ અંગે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતા તાંદલજા ગામના વધુ કેટલાક વિસ્તારોને અશાંતધારા (Disturbed Areas Act) હેઠળ આવરી લેવાનો નિર્ણય કરીને મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ નૂતન જાહેરનામામાં જણાવ્યા અનુસાર, જે.પી. રોડ વિસ્તારમાં આવેલા તાંદલજા ગામના વોર્ડ નંબર-૬ ના સિટિ સર્વે નંબર ૩૦૧ થી ૪૦૦, ૧૧૦૦ થી ૧૩૦૦ તેમજ ૧૩૦૧ થી ૧૪૦૦ હેઠળ આવતા તમામ વિસ્તારોનો હવે અશાંતધારામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ આદેશ બાદ હવે સંબંધિત વિસ્તારોમાં મિલકતની ખરીદ-વેચાણ, તબદિલી, વેચાણ દસ્તાવેજ તેમજ ભાડા કરાર સહિતના તમામ પ્રકારના કરારો માટે વડોદરા જિલ્લા કલેક્ટર પાસેથી પૂર્વ મંજૂરી મેળવવી કાયદાકીય રીતે ફરજિયાત બનશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ તા. ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સરકાર દ્વારા અશાંતધારા હેઠળના વિસ્તારો અંગે પાંચ વર્ષની મુદત ધરાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. હાલના નવા આદેશ મુજબ જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વધારાના વિસ્તારોને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આ જાહેરનામાની કડક અમલવારી તુરંત અસરથી શરૂ કરી દેવામાં આવી છે, જેના પગલે હવે આ વિસ્તારમાં મિલકતોની હેરફેર પર વહીવટી તંત્રની સીધી નજર રહેશે.