ઇન્સ્ટાગ્રામ લાઈવ આપઘાત:દાહોદના સિંગવડમાં પ્રેમીયુગલે જી*વ ટૂંકાવતા પહેલા સોશિયલ મીડિયા પર લાઈવ થઈને ઘટનાનું પ્રસારણ કર્યું.
જંગલ વિસ્તારમાં કરુણ અંત:હીરાપુર ગામના જંગલ વિસ્તારમાં વડની ડાળે દુપટ્ટો બાંધીને સગીરા અને યુવકે ગળે ફાં*સો ખાધો.
57 યુઝર્સે જોઈ ઘટના:લાઈવ પ્રસારણ દરમિયાન અંદાજે 57 જેટલા યુઝર્સો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા, જેનાથી પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ.
પોલીસ તપાસ શરૂ:રણધીકપુર પોલીસે મૃ*તદેહોને પીએમ અર્થે મોકલી વાયરલ વીડિયો અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થા તથા માનવ સંવેદનાઓને હચમચાવી નાખતી એક અત્યંત કરુણ અને ખૌફનાક ઘટના સામે આવી છે. સિંગવડ તાલુકાના હીરાપુર ગામના જંગલ વિસ્તારમાં એક સગીરા અને યુવકે વડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાં*સો ખાઈને સામૂહિક આપઘાત કરી લીધો છે. સૌથી વધુ ચોંકાવનારી અને હચમચાવી નાખનારી બાબત એ છે કે આ પ્રેમીયુગલે આત્યંતિક પગલું ભરતા પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને આ સમગ્ર ઘટનાનું પ્રસારણ કર્યું હતું, જેને કારણે સોશિયલ મીડિયા પર પણ ભારે હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃ*તક સગીરા પાયલ નિનામા (ઉં.વ. 16) લીમખેડા તાલુકાના ‘નિનામાની વાવ’ ગામની વતની હતી, જ્યારે મૃ*તક યુવક રાજેશ રમણ નિનામા સિંગવડ તાલુકાના ફોફણ ગામનો રહેવાસી હતો. આ બંને જણા ગતરોજ હીરાપુર ગામના જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા અને આપઘાત કરતા પૂર્વે તેમણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો શરૂ કર્યો હતો. આ લાઈવ પ્રસારણ દરમિયાન આશરે ૫૭ જેટલા યુઝર્સ લાઈવ જોડાયેલા હતા. વીડિયોમાં દેખાયા મુજબ સૌપ્રથમ સગીરા વડની ડાળે દુપટ્ટો બાંધીને નીચે કૂદી હતી અને ત્યારબાદ યુવકે પણ ફાંસો ખાઈ લીધો હતો.
સોશિયલ મીડિયા પર આ ગંભીર અને દ્રાવક વીડિયો વાયરલ થતાં જ જોનારા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. દરમિયાન, સ્થાનિક રહીશોએ જંગલમાં વૃક્ષ પર લટકતી હાલતમાં બંનેના મૃ*તદેહ જોતાં જ તુરંત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રણધીકપુર પોલીસ સ્ટેશનની ટીમ અને સિંગવડ પીએસઆઈ એસ.એમ. ઝાલા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃ*તક સગીરાના પિતા દ્વારા રણધીકપુર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. પ્રેમીયુગલે આટલું આકરું પગલું શા માટે ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ અંકબંધ છે, ત્યારે રણધીકપુર પોલીસે વાયરલ થયેલા લાઈવ વીડિયો અને અન્ય ટેકનિકલ પુરાવાઓને આધારે આ ઘટના પાછળનું સાચું કારણ બહાર લાવવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.