- ₹264ના રિફંડ માટે ₹55,000 ગુમાવ્યા: ઝેપ્ટો એપ પર મંગાવેલા દૂધ-દહીં ન મળતાં ગૂગલ પરથી નકલી કસ્ટમર કેર નંબર શોધવો મહિલા એકાઉન્ટન્ટને ભારે પડ્યો.
- APK ફાઈલથી મોબાઈલ હેક: સાયબર ગઠિયાએ વોટ્સએપ પર ‘કસ્ટમર સપોર્ટ.apk’ ફાઈલ મોકલી ઇન્સ્ટોલ કરાવ્યા બાદ મોબાઈલની સ્ક્રીન બંધ કરી દીધી.
- બેન્ક ખાતામાંથી બારોબાર ટ્રાન્ઝેક્શન: મોબાઈલ હેક કરીને ગઠિયાએ રાવપુરા સ્થિત ઈન્ડિયન બેન્કના ખાતામાંથી ₹55,000 ઉડાવી લીધા.
- પોલીસ ફરિયાદ દાખલ: ભોગ બનનાર વિનિતાબેન મતનાનીએ 1930 હેલ્પલાઈન પર જાણ કર્યા બાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સંસ્કારી નગરી વડોદરામાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો બનાવ વારસિયા વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં હાથીખાના માર્કેટની એક દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિનિતાબેન જીતેન્દ્રભાઈ મતનાનીને માત્ર ₹264નું રિફંડ મેળવવાના પ્રયાસમાં ₹55,000 ગુમાવવાનો વારો આવ્યો છે. ગૂગલ પરથી નકલી હેલ્પલાઈન નંબર શોધવો અને વોટ્સએપ પર આવેલી અજાણી APK ફાઈલ ઇન્સ્ટોલ કરવી તેમને અત્યંત મોંઘી પડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 11 નવેમ્બર, 2026ના રોજ બપોરે આશરે બે વાગ્યે વિનિતાબેને પોતાના મોબાઈલની ઝેપ્ટો (Zepto) એપ્લિકેશન પરથી ₹264ની કિંમતનું દૂધ અને દહીં ઓનલાઈન મંગાવ્યું હતું અને તેનું ઓનલાઈન પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું. જોકે, ઘણો સમય થવા છતાં ઓર્ડર ન આવતા તેમણે એપમાં તપાસ કરી હતી, જેમાં ઓર્ડર ડિલિવર થઈ ગયો હોવાનું દર્શાવતું હતું. જેથી રિફંડ મેળવવા માટે તેમણે ગૂગલ પરથી ઝેપ્ટોનો હેલ્પલાઈન નંબર શોધ્યો હતો, જ્યાં તેમને ‘8893539282’ નંબર મળ્યો હતો. આ નંબર પર કોલ કરતાં સામે છેડે બેઠેલા સાયબર ગઠિયાએ તેમને વોટ્સએપ પર ‘કસ્ટમર સપોર્ટ.apk’ નામની ફાઈલ મોકલીને ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું.
વિનિતાબેને આ ફાઈલ ઇન્સ્ટોલ કર્યા બાદ ગૂગલ પેમાં પાસવર્ડ નાખીને રિફંડ તપાસ્યું હતું, ત્યારબાદ ગઠિયાએ તેમને ‘રિફંડ માય મની 264 પેમેન્ટ નોટ ક્રેડિટ’ લખીને મેસેજ મોકલવા કહ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન અચાનક તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને સ્ક્રીન પર કંઈ દેખાતું બંધ થઈ ગયું હતું. ગઠિયાએ પ્રોસેસ ચાલુ હોવાનું બહાનું બતાવ્યું હતું અને થોડીવારમાં જ તેમના રાવપુરા સ્થિત ઈન્ડિયન બેન્કના ખાતામાંથી બારોબાર ₹55,000 ઉપડી ગયા હતા. ગભરાયેલા મહિલાએ તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર કોલ કરી અને વારસિયા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.