અકોટા પોલીસને સોંપાયો: વડોદરાના અકોટા, પાણીગેટ તેમજ કચ્છના આદિપુર અને ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ આરોપીને વધુ તપાસ માટે અકોટા પોલીસને સોંપાયો.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના અભિયાન હેઠળ એક મોટી સફળતા હાંસલ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની સચોટ બાતમીના આધારે વાસદ ટોલ નાકા ખાતેથી સાયબર ફ્રોડના ચાર ગંભીર ગુનાઓમાં ફરાર આરોપી બ્રિજેશ રામચંદ્ર પટેલ (ઉ.વ. 33, રહે. નીલકંઠ રેસીડેન્સી, એરફોર્સ પાછળ, મકરપુરા, વડોદરા) ને ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલો આરોપી બ્રિજેશ પટેલ વડોદરા શહેરના અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશન ઉપરાંત કચ્છ જિલ્લાના આદિપુર અને ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 4 સાયબર ક્રાઈમના ગુનાઓમાં વોન્ટેડ હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. કચ્છના આદિપુર અને ગાંધીધામના કિસ્સામાં આરોપીઓએ ‘ઇન્ડિયા પોસ્ટ ઇન્ટરનેશનલ સર્વિસ’ ના અધિકારી તેમજ ‘મુંબઈ એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રશાંત પાટીલ’ તરીકેની નકલી ઓળખ આપી હતી. ફરિયાદીઓને વીડિયો કોલ કરીને તેમના પાર્સલમાં ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનું જણાવી, મની લોન્ડરિંગ અને આરબીઆઈના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માનસિક ટોર્ચર કરીને બળજબરીથી રૂ. 36.63 લાખ જેટલી માતબર રકમ ઓનલાઇન પડાવી લીધી હતી.
આ ઉપરાંત, વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, બ્રિજેશ પટેલે સહઆરોપી શ્રવણકુમાર પાસેથી કમિશનના બદલામાં જૂના પાદરા રોડની કર્ણાટક બેંકનું એકાઉન્ટ અને કીટ મેળવીને ઓનલાઇન ઠગાઈના રૂ. 11,30,004/- ના અનઅધિકૃત ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જ્યારે પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં બ્રિજેશ પટેલ અને તેના પિતાએ પોતાની કંપની ‘RPCL INDIA PRIVATE LIMITED’ ના નામે કલાદર્શન ચાર રસ્તા સ્થિત એક્સિસ બેંકમાં ખાતું ખોલાવીને તા. 27/04/2024 થી 11/06/2024 દરમિયાન સાયબર છેતરપિંડીના આશરે રૂ. 1,20,08,602/- સગેવગે કર્યા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ તમામ સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી આરોપી બ્રિજેશ પટેલને આગળની કાયદેસરની તપાસ અર્થે અકોટા પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે.