- 5 સ્થળોએ રૂ. 30 લાખથી વધુની ચોરી: કારેલીબાગ, ગોત્રી, નિઝામપુરા અને બાપોદમાં તસ્કરોએ મકાનો અને મહાદેવના મંદિરને નિશાન બનાવ્યા.
- ગુજસીટોકની કાર્યવાહી છતાં બેખૌફ તસ્કરો: પોલીસની કડક કાર્યવાહીના દાવા વચ્ચે શહેરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ફરી સક્રિય બની.
- ₹60 લાખની જૂની ચોરીનો ભેદ અકબંધ: દિવાળી પૂર્વે ગોત્રીના હેલી એવન્યૂ અને દશરથની રામા રેસિડેન્સીમાં થયેલી ચોરીના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર.
- સીસીટીવી ફૂટેજ છતાં પોલીસ નિષ્ફળ: પડોશીઓના દરવાજા બહારથી બંધ કરી ચોરી કરતી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હોવા છતાં ભેદ ન ઉકેલાતા સુરક્ષા સામે સવાલો.
સંસ્કારી નગરી વડોદરામાં ઘરફોડ ચોરી આચરતી ગેંગ સામે પોલીસ તંત્ર દ્વારા ગુજસીટોક (GUJCTOC) જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં તસ્કરો પર તેની કોઈ જ અસર જોવા મળી રહી નથી. શહેરમાં વિવિધ તસ્કર ટોળકીઓ ફરી સક્રિય બની હોય તેમ બિન્ધાસ્ત રીતે એક પછી એક વિસ્તારોમાં ત્રાટકી રહી છે. તાજેતરમાં શહેરના અલગ-અલગ પાંચ સ્થળોએ ઘરફોડ ચોરીના બનાવો બનતા તસ્કરો બજાર કિંમત મુજબ રૂ. 30 લાખથી વધુની મતા ચોરીને ફરાર થઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કારેલીબાગના આનંદનગરમાં રહેતા જિગ્નેશ ઠક્કર તા. 18મીએ રાત્રે અઢી વાગ્યે પાનના ગલ્લેથી ઘરે આવ્યા હતા, ત્યારે પરોઢિયે સવા પાંચ વાગ્યે તેમના ભાઈએ દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. તપાસ કરતા તસ્કરો તાળું તોડીને 12 તોલા સોનાના દાગીના, રૂ. 1.60 લાખ રોકડા અને ચાંદીના દાગીના મળી બજાર કિંમત મુજબ આશરે રૂ. 17 લાખની મતા ઉઠાવી ગયા હતા. આવી જ રીતે, ગોત્રીમાં મધર સ્કૂલ પાસે આવેલી યોગેશ્વર જ્યોત સોસાયટીમાં રહેતા વિજયભાઈ કુમાવતના ઘરમાંથી તા. 18મીની રાત્રે તસ્કરો સાડા નવ તોલા સોના-ચાંદીના દાગીના મળી બજાર કિંમત મુજબ રૂ. 12 લાખથી વધુની મતા ચોરી ગયા હતા.
આ ઉપરાંત, નિઝામપુરાના મહાકાળીચોક ફળિયામાં રહેતા દિનેશભાઈ સોલંકીના મકાનમાંથી તસ્કરો અઢી તોલાથી વધુના દાગીના મળી બજાર કિંમત રૂ. 2 લાખથી વધુની મતા ચોરી ગયા હતા. જ્યારે બાપોદ વિસ્તારમાં પણ એક બંધ મકાનમાંથી રૂ. 2 લાખની મતા તેમજ એક મહાદેવના મંદિરને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી ગયા હતા.
બીજી તરફ, દિવાળી પહેલાં ગોત્રી અને દશરથ વિસ્તારના બે ફ્લેટમાં થયેલી આશરે રૂ. 60 લાખની માતબર ચોરીનો ભેદ ઉકેલવામાં પણ પોલીસ હજુ સુધી નિષ્ફળ રહી છે. એક મહિના પહેલાં ગોત્રીના હેલી એવન્યૂમાં રહેતા ફાલ્ગુનીબેન ચવાણના ફ્લેટમાંથી 18 તોલા સોનું, ૨ કિલો ચાંદી અને 2500 ડોલર મળી રૂ. 30 લાખની ચોરી થઈ હતી, જ્યારે દશરથની રામા રેસિડેન્સીમાં નીતિનભાઈ શેટ્ટીના મકાનમાંથી 23 તોલા દાગીના અને રોકડ મળી રૂ. 30 લાખની મતા ચોરાઈ હતી. આ બંને બનાવોમાં તસ્કરોએ આસપાસના ફ્લેટના દરવાજા બહારથી બંધ કરી ચોરીને અંજામ આપ્યો હતો અને સીસીટીવીમાં પણ કેદ થયા હતા, તેમ છતાં પોલીસ હજુ સુધી તસ્કરો સુધી પહોંચી શકી ન હોવાથી નાગરિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.