- ગાજરાવાડી કેન્દ્રમાં ગંભીર બેદરકારી: મૃત ગાય અને ગૌવંશની ચામડી ઉતાર્યા બાદ કંકાલ અને હાડકાં ખુલ્લા મેદાનમાં રખડતા શ્વાનો માટે ફેંકી દેવાતા હોવાનો આક્ષેપ.
- ધાર્મિક આસ્થા અને આરોગ્ય સામે ખતરો: ગૌવંશના મૃતદેહોના અનાદરથી હિન્દુ સમાજની લાગણી દુભાવા સાથે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા સામે પણ સવાલો ઉઠ્યા.
- પાલિકાના ટોચના હોદ્દેદારોને રજૂઆત: વિજયભાઈ એમ. ભાવસારે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનરને પત્ર લખી GPMC એક્ટની કલમો હેઠળ કાર્યવાહી માંગી.
- હાઈકોર્ટ સુધી જવાની ચીમકી: ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય તો કલેક્ટર, રાજ્ય સરકાર અને હાઈકોર્ટમાં દાદ માંગવાની ચીમકી.
સંસ્કારી નગરી વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના મૃત પશુ નિકાલ કેન્દ્ર (ડેડ એનિમલ ડિસ્પોઝલ સેન્ટર) માં માનવતા અને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ ગૌમાતાના રક્ષણ અને સન્માનના નામે સત્તા પર આવેલા સત્તાધીશો છે, તો બીજી તરફ પાલિકાના જ કેન્દ્રમાં મૃત ગાય અને ગૌવંશના મૃતદેહો પરથી ચામડી ઉતારી લીધા બાદ તેમના કંકાલ અને હાડકાંને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે ખુલ્લા મેદાનમાં રખડતા શ્વાનોના આહાર માટે મૂકી દેવામાં આવતા હોવાના ચોંકાવનારા આક્ષેપો થયા છે.
આ ગંભીર મુદ્દે જાગૃત નાગરિકે વડોદરા મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે આ પ્રશ્ન માત્ર શહેરની સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પૂરતો મર્યાદિત નથી, પરંતુ હિન્દુ સમાજની ગૌવંશ પ્રત્યેની અતૂટ ધાર્મિક આસ્થા અને લાગણી સાથે સીધો જોડાયેલો છે. સનાતન ધર્મમાં ગાયને માતા સમાન પૂજનીય સ્થાન અપાયું છે, ત્યારે મૃત ગૌવંશના અવશેષોની આ પ્રકારે અવગણના અને ખુલ્લામાં ફેંકી દેવાની પ્રવૃત્તિ અત્યંત નિંદનીય છે.
ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, ૧૯૪૯ની કલમ ૨૯૨, ૩૦૯ અને ૪૫૮ મુજબ મૃત પશુઓના અંતિમ નિકાલ અને તેના યોગ્ય નિયમનની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની છે. આ ઘટનાના પગલે ગાજરાવાડી કેન્દ્રની ઉચ્ચસ્તરીય તપાસ કરવા, ત્યાં ચામડી ઉતારવા અને હાડકાં વેચાણની કોઈ સત્તાવાર મંજૂરી છે કે કેમ તેની ચકાસણી કરવા, ખુલ્લામાં અવશેષો નાખવાની પ્રવૃત્તિ તાત્કાલિક અટકાવવા અને બેદરકાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ કરાઈ છે. અરજદારે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો પાલિકા તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટર, રાજ્ય સરકાર અને જરૂર પડ્યે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે.