• નકલી પોલીસ બની ઠગાઈ: છાણી વિસ્તારમાં બે શખ્સોએ પોલીસની ઓળખ આપી સિનિયર સિટીજનને ડાબામાં લીધા હતા.
• ચાર તોલા દાગીનાની ચોરી: મર્ડરની વાત કરી ગઠીયાઓએ બે તોલાની વીંટી અને બે તોલાની ચેન થેલીમાં મુકાવી પડાવી લીધી.
• પાનનો માવો મૂકી છેતરપિંડી: દાગીનાના બદલે કાગળમાં પાનનો માવો મૂકીને નજર ચૂકવી આરોપીઓ ફરાર થઈ ગયા.
• પોલીસ તપાસ શરૂ: ભોગ બનનાર વડીલે ૧૧૨ પર ફોન કરી જાણ કરતા છાણી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નકલી પોલીસ બનીને આવેલા બે શખ્સોએ એક સિનિયર સિટીજનને વાતોમાં ફસાવીને તેમની નજર ચૂકવીને ચાર તોલા સોનાના દાગીના સેરવી લીધા હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાથી વડીલો અને નાગરિકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, છાણીની નાની કાછિયાવાડમાં રહેતા નવીનભાઈ પટેલ ગઈકાલે સવારે પોતાના સ્કૂટર પર કાળકા માતાના મંદિરે દર્શને ગયા હતા. ત્યાંથી હાઈવે પર આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરીને આશરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેઓ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન હેલીનિયમ અને પ્લેટિનિયમ સાઇટ વચ્ચેના રસ્તા પર બે અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. આ બંને શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપીને આગળ મર્ડર થયું છે તેમ કહીને લાયસન્સ માંગ્યું હતું. નવીનભાઈએ લાયસન્સ બતાવતા ગઠીયાઓએ ડર ઊભો કર્યો હતો કે હાલમાં મર્ડર કરતી ગેંગ ફરી રહી છે, તેથી તમે તમારા દાગીના ઉતારીને થેલીમાં મૂકી દો.
ડરમાં આવી ગયેલા વડીલે પોતાની બે તોલાની વીંટી અને બે તોલાની સોનાની ચેન થેલામાં મૂકી દીધી હતી. આ દરમિયાન આરોપીઓએ એક કાગળ આપતા કહ્યું કે તેમાં દાગીના વ્યવસ્થિત મૂકી દો. નવીનભાઈએ કાગળમાં દાગીના મૂકીને થેલીમાં રાખ્યા હતા. થોડે આગળ જઈને જ્યારે તેમણે કાગળ ખોલીને જોયું તો તેમાં દાગીના નહોતા પરંતુ પાનનો માવો મૂકેલો હતો. તેઓ તાત્કાલિક પરત ફર્યા હતા પરંતુ તે બંને ગઠીયાઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. આ અંગે નવીનભાઈએ તુરંત જ ૧૧૨ (112) પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે છાણી પોલીસે ગુનો નોંધીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે નકલી પોલીસોની શોધખોળ હાથ ધરી છે.