- રૂ. 3.45 કરોડનો મુદ્દામાલ જપ્ત: નવસારી LCBએ ખારેલ ટોલનાકા પાસેથી 9.375 કિલો હાઈબ્રિડ ગાંજા સહિત કુલ રૂ. 3,45,06,270નો મુદ્દામાલ કબજે કર્યો.
- બેંગકોક-મુંબઈ-વડોદરા રૂટ: બેંગકોક સ્થિત રોની દ્વારા મોકલાતો જથ્થો મુંબઈ-વાપી થઈ વડોદરાના જયંતી પ્રજાપતિને ડિલિવરી અપાયા બાદ આરોપીઓ ઝડપાયા.
- 4 આરોપીઓની ધરપકડ: વાપીના પ્રમોદ પાઠક, વિષ્ણુ સીંગ, પ્રેમચંદ યાદવ અને દમણના મિકેત પટેલની અટકાયત કરાઈ.
- 9 આરોપીઓ વોન્ટેડ: વડોદરાના જયંતી પ્રજાપતિ અને બેંગકોકના રોની સહિત 9 શખ્સોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરાઈ.
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરીને રૂ. 3.45 કરોડથી વધુની કિંમતના હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. નવસારી LCBએ ખારેલ ટોલનાકા પાસે વોચ ગોઠવીને બે વાહનોમાંથી અંદાજે 9.375 કિલો હાઈબ્રિડ ગાંજો (બજાર કિંમત અંદાજે રૂ. 35 લાખ પ્રતિ કિલો) સહિત કુલ રૂ. 3,45,06,270નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટનામાં વડોદરા કનેક્શન પણ સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ નેટવર્કનો મુખ્ય માસ્ટરમાઈન્ડ પ્રમોદ કૃપાશંકર પાઠક વાપીમાં ‘ટાઈગર’ નામની સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને તેની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ કરતો હતો. મૂળ મુંબઈના અંધેરીનો અને હાલ બેંગકોકમાં રહેતો ‘રોની’ નામનો શખ્સ આ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ભારતમાં મોકલતો હતો. આરોપીઓ મુંબઈના રસ્તે આ જથ્થો વાપી લાવ્યા બાદ વડોદરામાં જયંતી પ્રજાપતિ નામના શખ્સને ડિલિવરી આપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ખારેલ ટોલનાકા પાસે LCBની ટીમે તેમને ઝડપી લીધા હતા.
પોલીસે આ મામલે વાપીના પ્રમોદ કૃપાશંકર પાઠક, વિષ્ણુ મહેશ સીંગ (જે અગાઉ 2024માં અમદાવાદ એરપોર્ટ પર પણ NDPS કેસમાં ઝડપાયો હતો), પ્રેમચંદ ઉર્ફે રાહુલ યાદવ અને દમણના મિકેત પ્રવિણભાઈ પટેલની ધરપકડ કરી છે. બીજી તરફ, પોલીસે બેંગકોક સ્થિત રોની, મુંબઈના ક્રિષ્ના, દમણના બંટી, વડોદરાના જયંતી પ્રજાપતિ, વિકાસ ઉર્ફે મોક્ષભૈયા જયસ્વાલ, ગુરકરંદસિંહ બેન્સ, અબ્દુલ રહેમાન હક, વિપુલ ખટવા અને ઋત્વિક કલ્સકર સહિત કુલ ૯ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.