Vadodara

પીએમ ઈ-બસ સેવા યોજના: 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શન માટે દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ

Published

on

• વધુ ભાવ આવ્યા: ૧૩૦ ઈ-બસના ટિકિટ અને રેવન્યુ કલેક્શન ટેન્ડરમાં અંદાજ કરતા ૯.૪૯ ટકા વધુ ભાવ આવ્યો છે.

•  કુલ ખર્ચ વધ્યો: પાંચ વર્ષની આ કામગીરીનો અંદાજિત ખર્ચ રૂ. ૨૪.૨૪ કરોડ હતો, જે વધીને હવે આશરે રૂ. ૨૬.૫૫ કરોડ થશે.

• દિગ્વિજય એન્ટરપ્રાઇઝની પસંદગી: મહેસાણાની આ એજન્સીએ સૌથી ઓછો ભાવ આપ્યો છે, જેનો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં રજૂ કરાયો છે.

• જીસીસી મોડેલ આધારિત વ્યવસ્થા: બસ સંચાલન ઓપરેટર સંભાળશે જ્યારે ટિકિટ કલેક્શનની જવાબદારી કોર્પોરેશનની રહેશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આગામી સમયમાં દોડનાર ૧૩૦ ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શનની કામગીરી માટે એજન્સીની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ટેન્ડર પ્રક્રિયામાં અંદાજિત કિંમત કરતાં ૯.૪૯ ટકા વધુ ભાવ આવ્યો છે, જેને મંજૂરી માટે હવે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની પીએમ ઈ-બસ સેવા યોજના હેઠળ વડોદરા કોર્પોરેશનને પ્રથમ તબક્કામાં ૧૩૦ ઇલેક્ટ્રિક બસ મળવાની છે. આ બસોમાં મુસાફરો પાસેથી ભાડું વસૂલવા માટે ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન (ETM) અને ટિકિટિંગ સોફ્ટવેર સાથે પાંચ વર્ષ માટે એજન્સીની પસંદગી કરવામાં આવી રહી છે. આ ટેન્ડરમાં કુલ ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો હતો, જેમાંથી મહેસાણાની દિગ્વિજય એન્ટરપ્રાઇઝ કંપનીએ સૌથી ઓછું ભાવપત્રક રજૂ કર્યું છે.

ટેન્ડરની શરતો અનુસાર એજન્સી દ્વારા કંડક્ટર તેમજ ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન પૂરા પાડવામાં આવશે. સાથે જ મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી રકમનો રેકોર્ડ જાળવવો, તેની નિભાવણી કરવી અને દરરોજ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ રકમ જમા કરાવવાની જવાબદારી પણ એજન્સીની રહેશે. કુલ ઈટીએમ મશીનોના ૫ ટકા વધારાના મશીનો પણ રાખવાના રહેશે. રેવન્યુ કલેક્શનની યોગ્ય દેખરેખ માટે એજન્સીએ એક મેનેજર, ટેકનિકલ નિષ્ણાત અને ૧૦ સુપરવાઇઝરની ટીમની નિમણૂક કરવાની રહેશે.

શરૂઆતમાં ૬૦ મહિના માટે કુલ સર્વિસ ફીનો અંદાજ રૂ. ૨૪.૨૪ કરોડ અને પ્રતિ બસ પ્રતિ દિવસ રૂ. ૧૩૪૭ નો અંદાજ મુકાયો હતો. પરંતુ સૌથી ઓછો ભાવ આપનાર એજન્સીનો દર અંદાજ કરતાં ૯.૪૯ ટકા વધુ હોવાથી હવે કોર્પોરેશનને પાંચ વર્ષની આ કામગીરી માટે અંદાજે રૂ. ૨૬.૫૫ કરોડ જેટલો ખર્ચ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રોજેક્ટ ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ એટલે કે જીસીસી (GCC) મોડેલ પર આધારિત છે. બસોની માલિકી અને તેના સંચાલનની જવાબદારી બસ ઓપરેટરની રહેશે, જ્યારે મુસાફરો પાસેથી ટિકિટ દ્વારા થતી આવકનું કલેક્શન કોર્પોરેશનના હસ્તક રહેશે. બસોને માર્ગ પર દોડાવવા અને ઓપરેટરની પસંદગી કરવાની પ્રક્રિયા સેન્ટ્રલ ફોર ગ્રીન મોબિલિટી (CESL) દ્વારા કરવામાં આવી છે, જેના આધારે ગુજરાત રાજ્ય માટે જેબીએમ ઈકોલાઈફ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડની બસ ઓપરેટર તરીકે પસંદગી કરાઈ છે.

Trending

Exit mobile version