- ₹6.03 લાખનો મુદ્દામાલ જપ્ત: જવાહરનગર પોલીસે કરોડીયા ગામ પાસેથી 11.859 કિલો ગાંજા (કિંમત ₹5.92 લાખ) સહિત કુલ ₹6,03,170/- નો મુદ્દામાલ કબજે કર્યો.
- છાયાપુરી સ્ટેશનથી લાવ્યો હતો જથ્થો: ટ્રોલીબેગ અને કાળી બેગમાં ગાંજો ભરીને આવતા રાજેશ ઉર્ફે કલુ જયસ્વાલને ઘર પાસે વોચ ગોઠવી ઝડપી લેવાયો.
- યુપીનું ડ્રગ્સ કનેક્શન ખુલ્યું: ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર ભદોહી (ઉત્તરપ્રદેશ) ના વોન્ટેડ આરોપી રાજુ સાહુની શોધખોળ શરૂ કરાઈ.
- આરોપીનો ગુનાહિત ઈતિહાસ: પકડાયેલા આરોપી સામે અગાઉ હરણી, સાવલી, ભાદરવા અને વાસદ પોલીસ મથકમાં NDPS અને આર્મ્સ એક્ટ સહિત 4 ગુના નોંધાયેલા છે.
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ કાર્યરત જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમે NDPS એક્ટ હેઠળ એક મોટો અને ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. જવાહરનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI આઈ.ડી. દેસાઈના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત હતી, તે દરમિયાન અ.હે.કો. પ્રતિપાલસિંહ અને અ.પો.કો. હર્ષપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ કરોડીયા ગામની પાયલ સોસાયટીમાં રહેતો રાજેશભાઈ ઉર્ફે કલુભાઈ રામદાસ જયસ્વાલ છાયાપુરી રેલવે સ્ટેશનથી ટ્રોલીબેગ અને કાળા કલરની બેગમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈને નીકળવાનો છે.
આ સચોટ બાતમીના આધારે પોલીસ ટીમે કરોડીયા ગામ ખાતે આરોપીના ઘરની આજુબાજુ વોચ ગોઠવી હતી અને વર્ણન મુજબના આરોપી રાજેશ ઉર્ફે કલુ જયસ્વાલ (ઉ.વ. ૩૯) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલી બેગોની તલાશી લેતા તેમાંથી 11 કિલો 859 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો (કિંમત ₹5,92,950/-), 12 પ્લાસ્ટિકની થેલીઓ, એક મોબાઈલ ફોન (કિંમત ₹10,000/-) અને રોકડા ₹220/- મળી કુલ ₹6,03,170/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાના ગોપીગંજ બજાર ખાતે રહેતા રાજુ સાહુ નામના શખ્સે મોકલ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં, ઝડપાયેલો આરોપી રાજેશ ઉર્ફે કલુ અત્યંત રીઢો ગુનેગાર હોવાનું પણ ખુલ્યું છે; તેના વિરુદ્ધ અગાઉ હરણી અને સાવલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ, ભાદરવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ તેમજ વાસદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કુલ ૪ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.