- ઘરફોડ ચોરીના 5 બનાવો ડીટેક્ટ: પાણીગેટ પોલીસે સિકલીગર ગેંગના આરોપી અમરસિંગ ઉર્ફે પાપે બાવરીને ઝડપી પાણીગેટ, મકરપુરા અને વાડી વિસ્તારની ચોરીઓનો ભેદ ઉકેલ્યો.
- રૂ. 5.41 લાખનો મુદ્દામાલ રિકવર: આરોપીના રહેણાક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને ચાંદીની લગડી સહિત કુલ રૂ. 5,41,000/- ની મત્તા કબજે કરાઈ.
- 3 આરોપીઓ વોન્ટેડ: કુલદિપસિંગ ઉર્ફે સન્ની બાવરી અને તેના અન્ય બે મિત્રોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા.
- રીઢા ગુનેગારનો ઈતિહાસ: પકડાયેલા આરોપી સામે અગાઉ વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનો અને મોરબીમાં ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.
વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અને ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ કાર્યરત પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પાણીગેટ પોલીસ સ્ટેશનના PI એ.બી. પટેલના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્કોડે ઘરફોડ ચોરીના ૫ બનાવો ડીટેક્ટ કરીને સિકલીગર ગેંગના રીઢા આરોપી અમરસિંગ ઉર્ફે પાપે લોહરસિંગ બાવરી (રહે. જલારામ ઝૂંપડપટ્ટી, મહાનગર વુડા સામે, ડભોઈ રોડ, વડોદરા) ને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી રૂ. 5,41,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 18/11/2026ના રોજ વહેલી સવારે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ-હ્યુમન સોર્સના આધારે પોલીસે અમરસિંગ ઉર્ફે પાપે બાવરીને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા તેણે પોતાના દાદાના દીકરા કુલદિપસિંગ ઉર્ફે સન્ની ભગતસિંગ બાવરી (રહે. પેન્શનપુરા, નિઝામપુરા, ફતેગંજ) અને અન્ય બે મિત્રો સાથે મળીને મોટરસાયકલ પર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેના ઘરની તપાસ કરતા સોનાના બે સેટ, પાટલા, માળા, બુટ્ટી તેમજ ચાંદીના ગ્લાસ, લોટી, કટોરો, પિચકારી અને લગડી મળી કુલ રૂ. 5,41,000/- ની મત્તા રિકવર કરી છે.
વધુ પૂછપરછમાં આરોપીએ છેલ્લા અઠવાડિયામાં વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાં કરેલી અન્ય ચોરીઓની પણ કબૂલાત કરી છે, જેમાં આઠેક દિવસ પહેલાં મકરપુરા એરફોર્સ પાછળની સ્વામી રેસિડેન્સી, પાંચેક દિવસ પહેલાં મકરપુરા તરસાલી શાકમાર્કેટ સામેની શરદનગર સોસાયટી તેમજ પાંચેક દિવસ પહેલાં વાડી હનુમાનપોળ પાછળની ગલીમાં આવેલા બે મકાનોમાં નકુચા તોડી ચોરી કર્યાનું ખુલ્યું છે. પોલીસ રેકોર્ડ મુજબ પકડાયેલો આરોપી અમરસિંગ બાવરી અગાઉ કારેલીબાગ, ગોત્રી, ગોરવા, મોરબી ‘બી’ ડિવિઝન અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 8 ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. હાલ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.