- 120 થી વધુ શંકાસ્પદ પ્રમાણપત્રો: મેડિકલ એડમિશન-2026 માં ST અનામત હેઠળ બોગસ કે શંકાસ્પદ કાગળો રજૂ થયાનો આક્ષેપ.
- ટ્રસ્ટ દ્વારા યાદી સુપ્રત: બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટે આદિજાતિ મંત્રી અને સચિવને શંકાસ્પદ ઉમેદવારોના નામોની યાદી સોંપી.
- આદિવાસી વિદ્યાર્થીઓના અન્યાયની ભીતિ: 675 અનામત બેઠકો પર ખરેખર લાયક આદિવાસી ઉમેદવારોના હક છીનવાઈ જવાનો ભય વ્યક્ત કરાયો.
- અગાઉ 25 પ્રવેશ રદ કરાયા હતા: અગાઉના વર્ષોમાં પણ સંગઠનોની રજૂઆત બાદ તપાસ થતાં 25 વિદ્યાર્થીઓના બોગસ પ્રવેશ રદ કરાયા હતા
ગુજરાત રાજ્યમાં વર્ષ 2026 ની મેડિકલ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અનુસૂચિત જનજાતિ (ST) અનામત કેટેગરી હેઠળ 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રો રજૂ થયા હોવાનો ગંભીર મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે દાહોદ સ્થિત ‘બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ’ દ્વારા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ, આદિજાતિ વિકાસ નિયામક તેમજ આદિજાતિ, કુટીર અને ખાદી ગ્રામ ઉદ્યોગ વિભાગના મંત્રીને લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.
ટ્રસ્ટ દ્વારા તમામ એસટી ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની યોગ્ય ચકાસણી અને ખરાઈ કર્યા બાદ જ મેડિકલ કોલેજોમાં પ્રવેશ ફાળવવાની તેમજ શંકાસ્પદ પ્રમાણપત્રો ધરાવતા 120 થી વધુ ઉમેદવારોના કાગળોની તાત્કાલિક તપાસ કરવા માટે વિનંતી કરાઈ છે. આ સાથે ટ્રસ્ટે આધાર-પુરાવા સાથે શંકાસ્પદ ઉમેદવારોની સત્તાવાર યાદી પણ તંત્રને સુપ્રત કરી છે. રજૂઆતમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, ધોરણ-10 પછી શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામત મેળવવા માટે જાતિ પ્રમાણપત્રની ચકાસણી ફરજિયાત હોવા છતાં આરોગ્ય વિભાગ અને મેડિકલ એડમિશન કમિટી દ્વારા કોઈ જ યોગ્ય ખરાઈ કર્યા વગર જ પ્રવેશ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે, જે જાતિ પ્રમાણપત્ર કાયદો-2018 અને નિયમો-2020 ની જોગવાઈઓનો સીધો ભંગ છે.
ટ્રસ્ટે ચિંતા વ્યક્ત કરી છે કે જો બોગસ કે શંકાસ્પદ પ્રમાણપત્રોના આધારે બિનઆદિવાસી ઉમેદવારો પ્રવેશ મેળવી લેશે, તો મૂળ આદિવાસી વિદ્યાર્થીઓને પોતાના હકની બેઠકો ગુમાવવાનો વારો આવશે. રાજ્યમાં મેડિકલ અભ્યાસક્રમોની કુલ 5,350 બેઠકોમાંથી 15 ટકા લેખે એસટી કેટેગરી માટે 675 બેઠકો અનામત રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારની ફરિયાદો બાદ તપાસ હાથ ધરાતા 28 પૈકી 25 બોગસ પ્રમાણપત્ર ધરાવતા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા. હાલમાં ફરી 120 થી વધુ પ્રમાણપત્રો શંકાના ઘેરામાં આવતા મેડિકલ પ્રવેશ પ્રક્રિયાની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા થયા છે.