ફરાર આરોપીની શોધખોળ:ઘટના બાદ નાસી છૂટેલા આરોપી પ્રેમી સતીશ વસાવાને ઝડપી પાડવા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામે કાયદો અને વ્યવસ્થાને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામની નવીનગરી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી એક વિધવા મહિલાની તેના જ પ્રેમી દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હ*ત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છાણભોઈ ગામની નવીનગરી વિસ્તારમાં મૃ*તક મનીષાબેન વસાવા છેલ્લાબે વર્ષથી પ્રેમી સતીશ વસાવા સાથે લિવ-ઇનમાં રહેતા હતા. દરમિયાન, કોઈ અગમ્ય કારણોસર કે પારિવારિક બાબતોને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા પ્રેમી સતીશ વસાવાએ આવેશમાં આવીને તીક્ષ્ણ હથિયાર વડે પ્રેમિકા મનીષાબેન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ થવાથી મનીષાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મો*ત નીપજ્યું હતું. આ જઘન્ય હત્યાકાંડને અંજ્ઞાપ આપ્યા બાદ આરોપી પ્રેમી સતીશ વસાવા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
દિવસના સમયે બનેલી આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરા રૂરલના ડીવાયએસપી (DYSP) આકાશ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરી મૃતક મહિલાના પુત્ર સોહમની સત્તાવાર ફરિયાદના આધારે શિનોર પોલીસ સ્ટેશનમાં હ*ત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને ફરાર થઈ ગયેલા આરોપી પ્રેમી સતીશ વસાવાને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
DYSP આકાશ પટેલની પ્રતિક્રિયા: ઘટના અંગે વાત કરતા વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે, “છાણભોઈ ગામે લિવ-ઇનમાં રહેતી મહિલાની હ*ત્યા થયાની માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમી દ્વારા જ આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. મૃ*તકના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેને સકંજામાં લેવામાં આવશે.”