- ડાયરેક્ટરના નામે 1.03 કરોડની ઠગાઈ: વડોદરાની ઝાયડેક્સ કંપનીના મેનેજરને વોટ્સએપ પર મેસેજ કરી સાયબર ઠગોએ રકમ પડાવી.
- મીટિંગનું બહાનું બતાવ્યું: ડાયરેક્ટર ડૉ. અજય રાયકાનો ફોટો ડીપીમાં રાખી ‘હું મીટિંગમાં છું’ કહીને કૉલ કરવાની ના પાડી હતી.
- 4 હપ્તામાં ટ્રાન્સફર કરાવાયા: 25.60 લાખ, 18.20 લાખ, 23.90 લાખ અને 35.60 લાખ મળી કુલ 1.03 કરોડ ટ્રાન્સફર કરાવાયા.
- સાયબર સેલ દ્વારા તપાસ તેજ: છેતરપિંડીનો ખ્યાલ આવતા જ કંપની દ્વારા વડોદરા સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
વડોદરા શહેરમાં સાયબર ક્રાઇમની એક અત્યંત ચોંકાવનારી અને હાઈ-પ્રોફાઈલ ઘટના સામે આવી છે. ગોત્રી સેવાસી રોડ પર આવેલી જાણીતી ‘ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના ડાયરેક્ટરના નામે અને તેમના ફોટાનો ઉપયોગ કરીને ઓનલાઇન ઠગોએ કંપની સાથે રૂ. 1.03 કરોડની મસ્તમોટી છેતરપિંડી આચરી છે. આ અંગે સાયબર સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજર સુભાષભાઈ ગુપ્તાએ પોલીસને આપેલી વિગતોમાં જણાવ્યું છે કે કંપનીમાં એસોસિયેટ મેનેજર મિનેશ દેસાઈ નેટબેન્કિંગમાં ડાયરેક્ટરની એપ્રુવલ લેવલનું કામકાજ સંભાળે છે. ગત 9 ઓક્ટોબરના રોજ સુભાષભાઈના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં પ્રોફાઈલ પિક્ચર (DP) માં કંપનીના ડાયરેક્ટર ડૉ. અજય રાયકાનો ફોટો અને નામ લખેલું હતું. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે, “હું હાલમાં એક મહત્વપૂર્ણ મીટિંગમાં વ્યસ્ત છું, તેથી કોઈ ફોન ન કરતા.” જેથી સુભાષભાઈએ સાચું માનીને ‘ઓકે સર’ નો મેસેજ મોકલ્યો હતો.
ત્યારબાદ સાયબર ઠગે ડાયરેક્ટર તરીકે ઓળખ આપીને એક બેંક એકાઉન્ટની વિગત મોકલીને તાત્કાલિક રૂ. 25.60 લાખ ટ્રાન્સફર કરવા માટે સૂચના આપી હતી. સુભાષભાઈએ મીનેશ દેસાઈ મારફતે આ રકમ મોકલાવી આપી હતી. થોડી જ વારમાં ઠગે ફરીથી અન્ય બેંક ડિટેલ્સ મોકલીને રૂ. 18.20 લાખ, ત્યારબાદ રૂ. 23.90 લાખ અને છેલ્લે રૂ. 35.60 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ, ચાર અલગ-અલગ હપ્તામાં કુલ રૂ. 1.03 કરોડ ટ્રાન્સફર થઈ ગયા હતા.
ડાયરેક્ટરનો ફોટો અને નામ હોવાથી વિશ્વાસમાં આવી ગયેલા અધિકારીઓને બાદમાં જાણ થઈ હતી કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત સાયબર સેલનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર પોલીસે બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને આઈપી એડ્રેસના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.