- સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલાયો: કરજણમાં 2 ઇક્કો ગાડીમાંથી રૂ. 40,000 ના 2 સાયલેન્સર ચોરી જનાર આરોપીને પોલીસે દબોચ્યો.
- અમદાવાદના ધોળકાનો આરોપી ઝડપાયો: સ્વિફ્ટ કારમાં આવી ચોરીને અંજામ આપનાર સંજય સવજીભાઈ ઠાકોર નામનો ઇસમ પકડાયો.
- ધાવટ ચોકડી પરથી નાકાબંધીમાં પકડાયો: CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરા-કરજણ રૂટ પરથી આરોપીને ઝડપી લેવાયો.
- રૂ. 3 લાખની કાર જપ્ત: કરજણ પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મારુતિ સ્વિફ્ટ કાર (GJ-01-HR-8058) જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનેગારો અને મિલકત સબંધી ગુનાઓ આચરતા તત્વો સામે શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ કરજણ પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા સાંપડી છે. કરજણ ટાઉન વિસ્તારમાંથી ઇક્કો ગાડીઓના કિંમતી સાયલેન્સર ચોરી કરનાર એક શાતિર આરોપીને ચોરીમાં વપરાયેલી કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલી નવી નગરપાલિકાના પાર્કિંગમાં પાર્ક કરેલી મારુતિ સુઝુકી ઇક્કો ગાડી (GJ-06-PA-5027) તેમજ મિયાગામના યોગેશ્વરસિંહ પરમારની ઇક્કો ગાડી (GJ-06-PD-8794) માંથી અજાણ્યા તસ્કરો રૂ. 20-20 હજારની કિંમતના કુલ રૂ. 40,000 ના બે સાયલેન્સર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કરજણ પોલીસ મથકે સત્તાવાર ગુનો નોંધાયો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે બનાવ વાળી જગ્યાના સીસીટીવી (CCTV) ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું હતું કે આ ગુનામાં વપરાયેલી મારુતિ સ્વિફ્ટ કાર (GJ-01-HR-8058) વડોદરા તરફથી કરજણ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ધાવટ ચોકડી ખાતે ત્વરિત વાહન ચેકિંગ ગોઠવ્યું હતું.
શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવતાં જ પોલીસે તેને રોકી ડ્રાઇવર સીટ પર બેઠેલા ઇસમની કડક પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં ગલ્લા-તલ્લાં કર્યા બાદ આખરે આરોપી ભાંગી પડ્યો હતો અને પોતે સાયલેન્સર ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલા આરોપીની ઓળખ સંજયભાઈ સવજીભાઈ ઠાકોર (રહે. ડેની સોસાયટી, લકી ગેરેજ સામે, ધોળકા, જી. અમદાવાદ) તરીકે થઈ છે. પોલીસે ચોરીના ગુનામાં વપરાયેલી આશરે રૂ. 3,00,000 ની કિંમતની મારુતિ સ્વિફ્ટ કાર કબજે કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.