વડોદરા રોજ 5 લીટર જેટલું દૂધ અને સોમવારના દિવસે 15 લીટર જેટલું દૂધ એકત્ર કરતા, તેમાંથી અત્યાર સુધી સેંકડો પાલતુ શ્વાનને જમાડ્યા.
- સંસ્કારી નગરીમાં અનોખો પશુપ્રેમ જોવા મળ્યો
- શિવજીને અર્પણ કરવામાં આવતા દૂધનો હિસ્સો એકત્ર કરાયો
- આ દૂધમાંથી પાલતુ શ્વાનની આંતરડી ઠારવામાં આવી
મંદિર મેનેજમેન્ટ અને સ્વયંસેવી સંસ્થાનો અનોખો પ્રયાસ
Vadodara : સંસ્કારી નગરી વડોદરા માં પાલતુ શ્વાન માટે અનોખી રીતે સેવા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દરમિયાન આજવા રોડ પર આવેલા શિવજીના મંદિરમાં જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા બોર્ડ મારવામાં આવ્યા હતા. સંસ્થાએ શિવભક્તોને અપીલ કરી કે, શિવજીને અર્પણ કરવામાં આવનાર દુધનો એક ભાગ અન્ય પાત્રમાં જમા કરવામાં આવે, તેમાંથી પાલતુ શ્વાન માટે ભોજન બનાવીને તેમની આંતરડી ઠારવામાં આવશે. આ પ્રયાસનો શિવભક્તોનો સારો પ્રતિસાદ મળતા સેંકડો પાલતુ શ્વાનની આંતરડી ઠારીને પ્રભુ ભક્તિની સાથે પશુ ભક્તિનો હેતુ પણ સિદ્ધ થયો છે.
મંદિરમાં સંસ્થા દ્વારા એક પાત્ર મુકવામાં આવ્યું
વડોદરામાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના રાખતા લોકો મોટી સંખ્યામાં છે. જેઓ પ્રાણીઓ ભૂખ્યા ના સુઇ જાય તે વાતને લઇને સતત પ્રયત્નશીલ રહે છે. કેટલાય પ્રાણી પ્રેમી લોકો રાત પડ્યે પોતાના જમવાની પરવાહ કર્યા વગર પાલતુ શ્વાન, બિલાડી તથા અન્ય જીવ માટે ભોજનની વ્યવસ્થા સાથે નીકળી પડે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો તેમને બિલીપત્ર, ધૂપ, દૂધ, પાણી, મિષ્ઠાન વગેરે અર્પણ કરે છે. આ તકને પશુઓની સેવામાં જોડવા માટે યુગ અભિયાન ફાઉન્ડેશન તથા અન્ય જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આજવા રોડ પર જળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સંસ્થા દ્વારા એક પાત્ર મુકવામાં આવ્યું છે.
અત્યાર સુધી સેંકડો પાલતુ શ્વાનને જમાડ્યા
પાત્ર પર લખ્યું છે કે, શિવજીને અર્પણ કરીને દુધનો એક હિસ્સો તેમાં એકત્ર કરવામાં આવે. જેનાથી ભેગું કરેલુ દૂધ પાલતુ શ્વાનની આંતરડી ઠારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. લોકોએ આ પ્રયોગમાં ખુબ સારો સહકાર આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સેવાભાવી સંસ્થાના કાર્યકરનું કહેવું છે કે, આમ કરીને તેઓ રોજ 5 લીટર જેટલું દૂધ અને સોમવારના દિવસે 15 લીટર જેટલું દૂધ એકત્ર કરતા હતા. તેમાંથી અત્યાર સુધી સેંકડો પાલતુ શ્વાનને જમાડીને તેમની આંતરડી ઠારવામાં આવી છે. મંદિરના મેનેજમેન્ટ દ્વારા પણ જીવદયા માટે કામ કરતી સંસ્થાને પુરતો સહકાર આપવામાં આવ્યો હતો.