- દારૂબંધીના લીરેલીરા: ગોવા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી કન્ટેનરમાં ભરીને ગુજરાત ઘુસાડાતો વિદેશી દારૂનો મસમોટો જથ્થો વડોદરા ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો.
- કન્ટેનરમાં ચોરખાનું: ટાટા કંપનીના બંધ બોડીના કન્ટેનરમાંથી વિદેશી દારૂની 1280 પેટીઓ (કુલ 6180 નંગ ક્વાર્ટરિયા) મળી આવી.
- હાઈવે પર વોચ ગોઠવી દબોચ્યો: ભરૂચથી વાસદ તરફ આવી રહેલા કન્ટેનરને ગોકળપુરા ગામની સીમમાં LCB એ આંતર્યું.
- ગોવા કનેક્શન ખુલ્યું: રાજુરામ બિશ્નોઈ અને ધર્માભાઈ નામના સપ્લાયરો સામે વડોદરા તાલુકા પોલીસ મથકે પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ દાખલ.
ગુજરાતમાં પ્રોહિબિશનની કડક અમલવારી વચ્ચે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમને વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. વડોદરા ગ્રામ્ય LCB દ્વારા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ગોકળપુરા ગામની સીમમાં એક બંધ બોડીના કન્ટેનરને આંતરીને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસમોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસે આ મામલે રાજસ્થાનના એક ડ્રાઈવરની અટકાયત કરી કન્ટેનર અને દારૂ સહિત કુલ ₹1,06,68,520/- નો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે.
🚨બાતમીના આધારે એક્સપ્રેસ હાઈવે પર ગોઠવી વોચ:
ઘટનાની વિગત એવી છે કે, વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમને એક ચોક્કસ અને પાકી બાતમી મળી હતી કે, ટાટા કંપનીના એક બંધ બોડીના કન્ટેનર (નંબર: HP-12-F-2943) માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને લઈ જવામાં આવી રહ્યો છે, અને આ કન્ટેનર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચ તરફથી વાસદ તરફ આવી રહ્યું છે. બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને એક્સપ્રેસ હાઈવે પર આવેલા ગોકળપુરા ગામની સીમમાં વહેલી સવારથી જ ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ઘેરીને ઊભું રખાવ્યું હતું.
🧐કન્ટેનર ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી:
પોલીસે કન્ટેનરના ચાલકની અટકાયત કરી જ્યારે પાછળનો બંધ બોડીનો ભાગ ખોલીને તપાસ કરી, ત્યારે અંદરથી વિદેશી દારૂની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
- વિદેશી દારૂની કુલ પેટીઓ: 1280 (જેમાં કુલ 6180 નંગ ક્વાર્ટરિયા મળી આવ્યા, જેની કિંમત ₹96,58,520/-)
- ટાટા કંપનીનું કન્ટેનર ટ્રક: કિંમત ₹10,00,000/-
- મોબાઈલ ફોન નંગ-01: કિંમત ₹10,000/-
- કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા: 1,06,68,520/-
🚨પકડાયેલ આરોપી અને દારૂનું ‘ગોવા કનેક્શન’:
પોલીસે સ્થળ પરથી પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ લખન મહિપાલ બિશ્નોઈ (રહે. ધતરવાલોકી ઢાણીયા, ભાકરાશની પોસ્ટ, સાંગરિયા, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ડ્રાઈવર લખનની કડક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તેને રાજુરામ મોઠારામ બિશ્નોઈ નામના ઈસમે ગોવા ખાતે બોલાવ્યો હતો. ત્યાં ગોવાના મડગઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતેથી ધર્માભાઈ નામના અન્ય એક ઈસમે આ વિદેશી દારૂ ભરેલું કન્ટેનર તેને સોંપ્યું હતું અને ગુજરાત તરફ લઈ જવાની સૂચના આપી હતી.
👮વડોદરા ગ્રામ્ય LCB દ્વારા હાલમાં પકડાયેલા ડ્રાઈવર લખન બિશ્નોઈ સહિત દારૂનો જથ્થો મોકલનાર સપ્લાયરો રાજુરામ બિશ્નોઈ અને ધર્માભાઈ વિરૂદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ગુજરાતમાં કયા બુટલેગરને ડિલિવરી કરવાનો હતો, તે દિશામાં વડોદરા તાલુકા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.