Vadodara

વડોદરામાં ‘ઘર ફૂટે ઘર જાય’ જેવો ઘાટ: ફ્લિપકાર્ટની ઓફિસમાંથી જ ₹1.86 લાખના મોબાઈલ ચોરનાર ડિલિવરી બોય ઝડપાયો

Published

on

  • ડિલિવરી બોય જ નીકળ્યો ચોર: ડભોઈ રોડ સ્થિત ફ્લિપકાર્ટની ઓફિસમાં કામ કરતા સાનવાજઅલી સૈયદે જ ઓફિસમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હતી.
  • ચોરીનો ફોન વેચતા ઝડપાયો: પાણીગેટ હરીશ પેટ્રોલપંપ સામે વોર્ડ ઓફિસ પાસે ચોરીનો આઈફોન વેચવા ફરતા આરોપીને બાતમીના આધારે દબોચી લેવાયો.
  • ₹1.86 લાખના 5 મોબાઈલ જપ્ત: આરોપી પાસેથી આઈફોન-17, આઈફોન-16 અને સેમસંગ સહિત કુલ ૫ મોબાઈલ ફોન (કિંમત ₹1,86,993/-) કબજે કરાયા.
  • અનડીટેક્ટ ગુનો ઉકેલાયો: પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના વણઉકેલ્યા ગુનાનો ભેદ સર્વેલન્સ સ્કોડે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો.

સંસ્કારી નગરી વડોદરામાં મિલકત સંબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ કાર્યરત પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. ડભોઈ રોડ સ્થિત મહાનગર વુડાના મકાન સામે આવેલા સમૃદ્ધ સાફલ્ય કોમ્પ્લેક્સમાં ફ્લિપકાર્ટની ઓફિસમાંથી₹1,86,993/- ની કિંમતના પાંચ મોબાઈલ ફોનની ચોરી કરનાર ડિલિવરી બોયને પોલીસે ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાણીગેટ પોલીસ સ્ટેશનના PI એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અ.લો.ર. સુરેશકુમાર આંબાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે પાણીગેટ હરીશ પેટ્રોલપંપની સામે આવેલી વોર્ડ ઓફિસ પાસે એક શખ્સ ચોરીનો આઈફોન વેચવા માટે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સાનવાજઅલી કૌસરઅલી સૈયદ (ઉ.વ. 30, રહે. ક્રુષ્ણાધામ સોસાયટી, અલવાનાકા રોડ, માંજલપુર, વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. તેની અંગઝડતી દરમિયાન મળી આવેલા આઈફોન અંગે બિલ કે આધાર-પુરાવા માંગતા તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો.

પોલીસની સઘન પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે તે ડભોઈ રોડ સ્થિત સમૃદ્ધ સાફલ્ય કોમ્પ્લેક્સમાં આવેલી ફ્લિપકાર્ટની ઓફિસમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. તેણે બે મહિના પહેલાં આ જ ઓફિસમાંથી આઈફોન સહિત કુલ પાંચ મોબાઈલ ફોનની ચોરી કરી પોતાના ઘરે સંતાડી રાખ્યા હતા. પોલીસે આરોપી પાસેથી એપલ કંપનીનો આઈફોન-17 (કિંમત₹73,916/-), આઈફોન-16 (કિંમત ₹62,524/-) અને સેમસંગ ગેલેક્સી F70E (કિંમત ₹14,533/-) સહિત કુલ ૫ મોબાઈલ ફોન મળી ₹1,86,993/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Trending

Exit mobile version