2024માં વડોદરા તાલુકાના શંકરપુરા ગામે પૂર્વ સરપંચ મહેશ ગોહિલ અને તેના પુત્રોએ દરોડો પાડવા ગયેલી પોલીસ પર હુમલો કર્યો હતો
હુમલામાં LCB ના એક જવાન ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારના અધિકારીઓએ બુટલેગર પિતાપુત્ર સામે કડક કાર્યવાહી કરી હતી
તત્કાલીન PI એ ગામમાં બુટલેગર બંધુઓને વરઘોડો કાઢીને સરપંચ પિતાનો રૂઆબ પણ ઉતારી દઈને પોલીસનો કોલર પકડનાર બુટલેગરની શાન ઠેકાણે લાવી દીધી હતી
આજે આજ બુટલેગર પરિવાર ફરી એક વાર ઘરઆંગણે ખુલ્લેઆમ શરાબનું વેચાણ કરી રહ્યું છે, છતાંય સ્થાનિક પોલીસ કે LCB ના પેટનું પાણી હાલતું નથી.
શું પોલીસના આત્મસન્માન થી વધુ કિંમત પૈસાની છે? આવા તત્વોને કોણ છાવરી રહ્યું છે?
આમ તો વડોદરા જિલ્લામાં ઠેકઠેકાણે બેરોકટોક શરાબનું વેચાણ થાય છે. પણ જ્યાં કોઈ બુટલેગર દ્વારા પોલીસની આબરૂ પર તરાપ મારવામાં આવતી હોય ત્યાં ક્યારેય પોલીસ પોતાના આત્મસન્માન સાથે સમાધાન કરતી નથી. જોકે હવે વડોદરાના વરણામા પોલીસે પોલીસના આત્મસન્માનનો પણ સોદો કરી લીધો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે.
વર્ષ 2024માં વરણામાની હદમાં આવતા શંકરપુરા ગામે બુટલેગર મહેશ ગોહિલ અને તેના બે પુત્રોએ દરોડો પાડવા ગયેલી પોલીસ પર હુમલો કર્યો હતો. જે હુમલામાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ ઘટના સમયે પોલીસે દાખલો બેસે તેવી કાર્યવાહી કરીને બુટલેગર સરપંચ મહેશ ગોહિલની ધરપકડ કરીને ત્યાર બાદ બન્ને હુમલાખોર પુત્રોને અક્ષય અને વિશાલને ઝડપી પાડીને બંનેનો ગામમાં જ વરઘોડો કાઢીને તેઓનો ખૌફ સમાપ્ત કરી દીધો હતો.
ઘટનાના અઢી વર્ષ બાદ સ્થાનિક પોલીસની છત્રછાયામાં ફરી એક વાર બુટલેગર મહેશ ગોહિલ અને તેના પુત્રોએ તેમના ઘર માંથી જ શરાબનો બેરોકટોક વેપલો શરૂ કરી દીધો છે. ઘરના દરવાજે ઊભા રહીને ગ્રાહકોને બુટલેગર અક્ષય ગોહિલ શરાબની બોટલો પીરસે છે. અને છતાંય સ્થાનિક વરણામા પોલીસને આ બુટલેગરનો વેપલો મળતો નથી.
ખાખી પર હુમલો કરનાર બુટલેગર માટે સ્થાનિક પોલીસની આટલી બધી રહેમનજર કેમ? એમ માની લઈએ કે 2024માં જ્યારે આ ઘટના બની ત્યારના અધિકારીઓ બદલાઈ ગયા હોય તો નવા અધિકારીઓને બુટલેગરનો ભૂતકાળ ખરાબ ન હોય! પણ અહીં તો કર્મચારીઓ ઠેરના ઠેર છે. છતાંય પોલીસ પર હુમલો કરનાર બુટલેગર આજે પણ બેરોકટોક શરાબનું વેચાણ કરી રહ્યો છે. અને સ્થાનિક પોલીસને તેનાથી કોઈ ફેર પણ પડતો નથી? પોલીસની ગરિમા અને આત્મસન્માનનો આટલો સસ્તો સોદો તો ન હોય શકે?