વડોદરા શહેરના હરણી વારસિયા રીંગરોડ પર બેંકમાં જતી મહિલાના મોપેડ ની ડેકી તોડીને તેમાંથી રોકડ રકમની ઉધાન કરી કરનાર એક સગીર સહિત બે આરોપીઓની વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચોરાયેલા 40,000 માંથી 14,000 જેટલી રોકડ રકમ પણ રિકવર કરાઈ છે.
ગત 29 ઓક્ટોબરના બપોરના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં એક મહિલા ફરિયાદી દ્વારા તેઓના મોપેડની ડેકી માંથી 40000 રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વારસિયા પોલીસ તેમજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ત્રણ શંકાસ્પદ ઈસમો સંગમ ચાર રસ્તા પાસે જ્યારે મહિલા ફરિયાદી ફ્રુટ લેવા માટે ઉભા હતા ત્યારે તેઓને મોપેડ ની ડેકીમાં રોકડ રકમ મુકતા જોઈ ગયા હતા. જે બાદ તેઓએ પીછો કરીને વારસિયા રિંગ રોડ પર આવેલી એસબીઆઇ બેન્ક પાસે મોપેડ પાર્ક કરીને મહિલા બેંકમાં ગયા બાદ તેની ડેકી તોડીને તેમાં મૂકેલી રોકડ રકમ ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા.
સીસીટીવી ના માધ્યમથી પોલીસે ત્રણેય આરોપીઓની ઓળખ કરી હતી જેમાં મોઈન ખાન મહેમૂદ ખાન પઠાણ તેમજ મહંમદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝા સહિત અન્ય એક સગીરની ઓળખ થઈ હતી આ ત્રણેય આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરતાં પોલીસને જોઈને મોટરસાયકલ પર બે આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે તેઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા.
પોલીસ પૂછપરછ માં તેઓ પાસેથી ચોરી કરાયેલી 40 હજારની રોકડ રકમ સામે 14000 રોકડ રકમ રિકવર કરવામાં સફળતા મળી હતી. આરોપી મોહમ્મદહુસૈન ઉર્ફે કાલુ સામે મારામારીના 4 મોપેડની ડેકી માંથી રૂપિયા ચોરી કરવાના કુલ 3, એમ કુલ 7 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ગુનાહિત પ્રવૃત્તિમાં એક વખત પાસામાં પણ ગયેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ તેમજ 14000 રોકડ રકમ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.