ઉમેદવારનો વોટ કોણે આપ્યો?વોર્ડ-9 ના કોંગ્રેસ મહિલા ઉમેદવાર મીનાબેન વસાવા મતદાન મથકે પહોંચ્યા ત્યારે તેમના નામે કોઈ અન્ય વ્યક્તિ મતદાન કરી ગયું હતું!
વહીવટી તંત્રની પોલ:ઉમેદવારના મતાધિકારનું અપહરણ; મતદાન મથકે ‘ટેન્ડર વોટિંગ’ કરવાની આવી નોબત.
રી-ઈલેક્શનની માંગ:વોર્ડ-11 માં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસની ચૂંટણી રદ કરવાની ઉગ્ર માંગ; તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો.
રાજકીય ગરમાવો:ઋત્વિજ જોશીના તંત્ર પર પ્રહાર- “જો ઉમેદવાર સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાનું શું?”
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગંભીર ગેરરીતિનો કિસ્સો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર-11 ના મતદાન મથક પર બોગસ વોટિંગનો આક્ષેપ લગાવીને કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ બોગસ વોટિંગનો ભોગ સ્વયં એક ઉમેદવાર બન્યા છે.
❓શું બની હતી ઘટના?
વોર્ડ-9 ના કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવા જ્યારે ગદાપુરાની ડી.આર. અમીન સ્કૂલ ખાતે પોતાનો મત આપવા પહોંચ્યા, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનું મતદાન તો અગાઉ જ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરી દેવામાં આવ્યું છે. જે લોકશાહીમાં દરેક મત કિંમતી હોય છે, ત્યાં એક ઉમેદવારનો મત જ કોઈ બીજાએ પડાવી લેતા મીનાબેન આઘાતમાં સરી પડ્યા હતા અને તેમને અંતે ‘ટેન્ડર વોટિંગ’ કરવાની ફરજ પડી હતી.
🧐તંત્ર પર ઉઠતા સવાલો:
આ ઘટનાને પગલે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ તંત્રને આડે હાથ લીધા છે. કોંગ્રેસે ચૂંટણી અધિકારીને લેખિત પત્ર પાઠવીને આખા વોર્ડમાં ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ઉમેદવારનો જ મત સુરક્ષિત ન હોય તો સામાન્ય મતદારોની સુરક્ષાની ગેરંટી કોણ લેશે? આ પ્રશ્ન અત્યારે શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શું આ અધિકારીઓની લાપરવાહી છે કે પછી કોઈ સુનિયોજિત કાવતરું? તે અત્યારે તપાસનો વિષય છે.કેમ કે જયારે વડોદરા ભાજપ પ્રમુખ ડૉ.જય પ્રકાશ સોની વોટિંગ કરવા ભાજપ ના સિમ્બોલ સાથે વોટિંગ બુથ પર આવ્યા અને વોટિંગ કર્યું ?તો એને આચાર સંહિતા કહી શકાય કે નઈ!
🫵મતદાન મથકો પર સુરક્ષાના દાવા વચ્ચે ઉમેદવારના મતાધિકારનું અપહરણ એ લોકશાહી માટે શરમજનક ઘટના છે. વહીવટી તંત્ર હવે આ ગેરરીતિ સામે શું પગલાં લે છે, તે જોવું મહત્વનું રહેશે.