Vadodara

વડોદરાના આ રસ્તા પર “ભાગતા ભૂતના” આદેશથી રાતોરાત બેરીયર લાગી ગયું?, જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ

Published

on

  • ગોસીન્દ્રા ગામના પ્રવેશ પર લાગેલા હાઈટ બેરીયર માટે એક બીજાને ખો આપતા અધિકારી અને કોન્ટ્રાકટર
  • શું રસ્તાની હલકી કામગીરીની પોલ ન ખુલી જાય તે માટે ઢાંક પીછોડા થયા ?
  • જીલ્લા કલેકટરને લેખિતમાં અરજી થતા અધિકારી અને કોન્ટ્રાક્ટરે પોતે કામ નથી કરાવ્યું તેવા નિવેદન કરીને છટકી ગયા

વડોદરા જીલ્લાના વડોદરા તાલુકાના ગોસીન્દ્રા ગામે એક અજીબ ઘટના સામે આવી છે. જ્યાં અધિકારી અને ઈજારદાર દ્વારા રસ્તાની હલકી ગુણવત્તાની કામગીરી છુપાવવા માટે રસ્તાના પ્રવેશ પાસે જ બેરીયર લગાવી દઈને મોટા વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. જે અંગે જીલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ થતા બેરીયર લગાવ્યાની જવાબદારીથી અધિકારી અને ઈજારદાર બંને એ હાથ ખંખેરી નાખતા કોઈ અદ્રશ્ય શક્તિ જીલ્લામાં કામગીરી કરી જતી હોય હવે નવો તપાસનો વિષય શરુ થયો છે.

સામાન્ય રીતે કોઈ પણ ગામને મુખ્ય માર્ગ સુધી જોડતા પાકા રસ્તાઓ પર ST બસ, ગામના ખેતીના વાહનો, ટેમ્પો, ડમ્પર સહિતના ભારદારી વાહનો પસાર થતા હોય છે. ગામમાં આગ લાગે કે કોઈ આપતકાલીન સ્થિતિ સર્જાય એટલે ફાયરબ્રિગેડ પણ સમયસર પહોચી શકે તેવી મોકળાશ રસ્તા પર રાખવી પડે છે. પણ વડોદરા તાલુકાના ગોસીન્દ્રા ગામે બનાવેલા રસ્તા પરજાણે ઈજારદારની કામગીરી પર અધિકારીઓને ભરોસો ન હોય તેમ સમય મર્યાદા પહેલા રસ્તો તૂટી જાય તો પોલ ખુલી જવાની બીકે બેરીયર ઉભા કરી દેવાયા છે. જે બેરીકેટ ગામમાં ભારે વાહનો, બસો, એમ્બ્યુલન્સ જેવા વાહનોના પ્રવેશને અટકાવી દે છે.

આ બેરીકેટ બાબતે કોન્ટ્રાક્ટર ને પૂછતા કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે,આ બેરીયર નાયબ કાર્યપાલક ઈજનેર વિવેક દુબેના કહેવાથી તેમના હુકમથી ઉભા કરવામાં આવ્યા છે. જયારે આ અંગે નાયબ કાર્યપાલક ઈજનેર વિવેક દુબેનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, બેરીયર લગાવવા માટે મેં કોઈ હુકમ કર્યો નથી. બધા એક બીજાને ખો આપી રહ્યા છે. તમે સરપંચ ને પૂછો કે, સરપંચે મરાવ્યા છે કે કેમ! આ અંગે ગોસીન્દ્રા ગામના સરપંચને પૂછતા સરપંચે જણાવ્યું હતું કે, બેરીયર મારવા બાબતે મારી કોઈ રજૂઆત હતી નહિ. છતાંય અધિકારીઓ બેરીયર મારી ગયા છે. હવે જેઓએ બેરીયર લગાવ્યા હોય તેઓ જ દુર કરી શકે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે, અધિકારીના લેખિત હુકમ વિના, ઈજારદારને કામગીરીની ચુકવણી વિના અને ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની લેખિત રજૂઆત વિના ગામના પ્રવેશ દ્વારને અવરોધતા બેરીયર કોણ લગાવી ગયું ? શું જીલ્લાના વહીવટી તંત્રની સમાંતર કોઈ અદ્રશ્ય શક્તિ કામ કરી રહી છે? કે અધિકારી દ્વારા કોઈ ખાસ કારણોસર આ બેરીયર લગાવવાની સુચના આપવામાં આવી છે? આ અંગે જીલ્લા કલેકટર કચેરીમાં આજે લેખિતમાં ફરિયાદ કરાતા આવી અણગઢ કામગીરી કોઈ કરી ગયું અને કોના કહેવાથી કરવામાં આવી? તેની તપાસ થશે.

Trending

Exit mobile version