- એરફોર્સ બ્રિજ પર અકસ્માત: નેશનલ હાઈવે-48 પર દરજીપુરા બ્રિજ પર એક્ટિવા સવાર મહિલાને અજાણ્યા વાહને અડફેટે લીધી.
- મહિલાનું કરુણ મોત: મૂળ બાલાસિનોર અને હાલ રાજપીપળા રહેતા લતાબેન સુનિલસિંહ ઝાલાનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું.
- તંત્રની દોડધામ: બનાવની માહિતી મળતા જ હરણી પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
- પોલીસ તપાસ શરૂ: મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખસેડી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, ત્યારે વધુ એક હૃદયદ્રાવક ઘટનામાં દરજીપુરા એરફોર્સ બ્રિજ પર એક્ટિવા પર સવાર થઈને જઈ રહેલી એક મહિલાને અજાણ્યા વાહને અડફેટે લેતા સ્થળ પર જ કમકમાટીભર્યું મો*ત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રસ્તા પર અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી તરફ જઈ રહેલા નેશનલ હાઈવે પર આવેલ દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે દોડી રહેલા કોઈ અજાણ્યા વાહને એક્ટિવા ચાલક મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ વાહન મહિલાને કચડીને નાસી છૂટ્યું હતું, જેના કારણે રોડ પર ગંભીર દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતમાં મૃ*ત્યુ પામનાર મહિલાની ઓળખ લતાબેન સુનિલસિંહ ઝાલા તરીકે થઈ છે, જેઓ હાલ રાજપીપળા ખાતે રહેતા હતા અને મૂળ બાલાસિનોરના વતની હતા.
ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ, એમ્બ્યુલન્સ અને હરણી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિનો તાગ મેળવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને મૃ*તદેહને પીએમ અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ હરણી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વાહન અને ચાલકની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.