- મોટું કૌભાંડ ઝડપાયું : દોડકા ગામે સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર માર્કા વગરની થેલીઓમાં સીલ કરી ઊંચા ભાવે વેચવાનું રેકેટ LCB એ પકડ્યું.
- રૂ. 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત: 222 થેલી યુરિયા ખાતર, સીલાઈ મશીન અને આઇસર ગાડી સહિત કુલ રૂ. 5,78,580 નો સામાન પોલીસે કબજે કર્યો.
- 4 આરોપીઓ સામે ગુનો: સાહિલ વોરા (સ્થળ પરથી ઝડપાયો), જગદીશ ભોઈ, ભાવેશ પટેલ (બંને રહે. ધર્મજ, આણંદ) અને રાજેશ નામના શખ્સ સામે એફઆઈઆર.
- ભાદરવા પોલીસ મથકે FIR: આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે આવતા સબસિડીવાળા સરકારી યુરિયા ખાતરની ગેરકાયદેસર હેરાફેરી અને કાળાબજારી કરતા તત્વો સામે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. સાવલી તાલુકાના દોડકા ગામે દરોડો પાડીને પોલીસે ક્રીબકો કંપનીના સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરની થેલીઓમાંથી ખાતર કાઢી, અન્ય માર્કા વગરની થેલીઓમાં ભરી ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, વડોદરા ગ્રામ્ય LCBની ટીમે દોડકા ગામે રેડ કરીને સ્થળ પરથી ભાદરવા બજાર લાઇનના રહેવાસી સાહિલ ફારૂકભાઈ વોરાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપીઓ આણંદના ધર્મજ ચોકડી ખાતે આવેલા પરવાનાવાળા એગ્રી બિઝનેસ સેન્ટરના ડેપો પરથી ગેરકાયદેસર રીતે સબસિડી વાળા નીમ કોટેડ યુરિયા ખાતરના કટ્ટા લાવતા હતા. ત્યારબાદ ગુનાહિત કારસો રચીને આ સરકારી ખાતરને અન્ય કાળાબજારીયાઓને ઊંચા ભાવે વેચવા માટે માર્કા વગરની સફેદ થેલીઓમાં સીલાઈ મશીન વડે પેક કરતા હતા.
પોલીસે સ્થળ પરથી 45 કિલો ખાતર ભરેલી 138 સફેદ થેલીઓ (કિંમત રૂ. 52,440), ક્રીબકો કંપનીના લોટ નંબર 20 ઓગસ્ટ-2026 લખેલી પીળા રંગની ખાતર ભરેલી 84 થેલીઓ (કિંમત રૂ. 22,680), સીલાઈ મશીન, ખાલી થેલીઓ, ટોર્ચ તથા ખાતરની હેરાફેરીમાં વપરાયેલી આઇસર ગાડી (નંબર GJ-27-TG-2246) મળી કુલ રૂ. 5,78,580/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે ભાદરવા પોલીસ મથકે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ (Essential Commodities Act) 1955ની કલમ 3, 7 તથા ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 316(2), 3(5) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સાહિલ વોરાની અટકાયત કરી છે, જ્યારે આણંદ અને પેટલાદના જગદીશ હરમાનભાઈ ભોઈ, ભાવેશ પ્રવીણભાઈ પટેલ અને રાજેશ નામના અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.