વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના મેવલી અને ધનતેજ વચ્ચે આવેલા આનંદીના મુવાડા ગામે ગ્રામજનોની કફોડી હાલત થવા પામી છે. જ્યાં લાંબા સમયથી કાચા રસ્તાને પાકો કરવાની માંગ કરવા છતાંય કોઈ કાર્યવાહી નહિ થતા પરિસ્થિતિ વિકટ બની છે અત્યાર સુધી કાચા રસ્તાનો ઉપયોગ કરતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો હાલ થયો છે. ગામ નજીકથી પસાર થતી માઈનોર કેનાલમાં ગાબડું પડવાને કારણે કાચો રસ્તો પણ પાણી ભરાઈ જવાને કારણે બંધ થઇ જતા ખુબ લાંબો ચક્કર લગાવીને જવું પડે છે.
એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ અને ગામને મુખ્ય સ્ટેટ હાઈવે સાથે જોડતા રસ્તાઓ માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો ભરપુર ઉપયોગ થાય છે. આ યોજનાનો ઉપયોગ કરીને સાવલી તાલુકામાં એવા કેટલાક રસ્તાઓ બન્યા છે જે આજ દીનું સુધી બે ગામોને જોડી શક્યા નથી.
અધિકારીઓની કામગીરી પર સવાલો ઉભા કરતા આવા અધૂરા રસ્તાઓમાં લાખો કરોડો ખર્ચવાને બદલે જ્યાં લોક ઉપયોગી કામ થવા જોઈએ ત્યાં પાકા રસ્તાઓ મળતા નથી. સાવલી તાલુકાના મેવલી અને ધનતેજની વચ્ચે આવેલા આનંદીના મુવાડા ગામે જવા માટે એક માત્ર સાંઢાસાલ તરફથી પાકો રસ્તો મળે છે. જયારે બીજા કેટલાક કાચા રસ્તાઓ ગામ સુધી પહોચતા હોવા છતાંય આજદિન સુધી તેને પાકા રસ્તામાં તબદીલ કરવામાં આવ્યા નથી. ગ્રામજનોની માંગણી હતી કે, મેવલી થી ધનતેજ સુધીના પાકા રસ્તાના નિર્માણ સાથે ખોડીયાર માતાના મંદિર પાસે થઈને માઈનોર કેનાલ નજીકથી ગામને જોડતો બીજો પાકો રસ્તો બનવો જોઈએ. જોકે આ રજુઆતો બાદ પણ કોઈ કાર્યવાહી નહિ થતા ગ્રામજનો નિરાશ થયા હતા.
છેલ્લા ત્રણ ચાર દિવસથી ગામ પાસેથી પસાર થતી માઈનોર કેનાલમાં અચાનક ભંગાણ સર્જાતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાકને ભારે નુકશાન થયું છે. જયારે આ સાથે જ ગામનો એ કાચો રસ્તો પણ જળમગ્ન થઇ જતા ખેતી માટે અવરજવર કરતા ખેડૂતો પોતાના ખેતરની ભાળ કાઢવા પણ જઈ શકતા નથી. કેનાલના અધિકારીઓ તૂટેલી કેનાલમાં વહી જતું પાણી બંધ કરતા નથી જેના કારણે ખેતીને ભારે નુકશાન થઇ રહ્યું છે .જયારે બીજી તરફ રસ્તાની પણ હાલત કફોડી થતા ગ્રામજનોને બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ સર્જાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના જીલ્લા પંચાયત સદસ્ય નેહાબેન કિરીટભાઈ બારોટ હાલ જીલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન છે. તેઓના વિસ્તાર માંજ ગ્રામજનોપાકા રસ્તા વિના ટળવડી રહ્યા છે. ત્યારે સ્પષ્ટ બહુમતી હોવા છતાંય અંત્યોદયની ચિંતા કરતી વિચારધારાને વરેલા પક્ષના નેતાઓ છેવાડાના ગામડા સુધી વિકાસ ન પહોચાડી શકે તો આ બહુમતી અને બહુમાન કરતા હોદ્દાઓનો શું અર્થ ?