- આમ આદમી પાર્ટી જ્યાં પગપેસારો કરી રહી છે ત્યાં પણ ભાજપ હોદ્દા આપવામાં પોતાના જ બનાવેલા નિયમો તોડે છે !
- એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનો ભંગ કર્યા બાદ એક પરિવારમાં એક થી વધુ હોદ્દા ભાજપના એક જ મેન્ડેટમાં જોવા મળ્યા!
- કાર્યકરોમાં કેવા ઉદાહરણ સેટ થશે ?, શું છોટાઉદેપુરની નિયુક્તિઓના પડઘા અન્ય જીલ્લાઓમાં પણ પડશે ?
નિયમો અને બંધારણોની વાત કરતા ભાજપમાં હવે ચાહે ત્યારે નિયમો બદલીને માણીતાને મોઝ કરાવી દેવાની પ્રથા શરુ થઇ છે. આજ થી 2 વર્ષ પહેલા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે એક વ્યક્તિ એક હોદ્દાના કડક નિયમોનું પાલન કરાવ્યું હતું. પણ હવે ભાજપ પક્ષના સ્થાનિક નેતાઓની જ્યાં વધુ ગરજ હોય ત્યાં તમામ નિયમો છડેચોક તોડી નાખવાની છૂટ મળી જાય છે. અને પ્રદેશના નેતાઓ આ નિયમ તોડ પ્રથાને સહર્ષ સ્વીકારી લે છે. અને પછી કાર્યકરોમાં ચર્ચા થાય કે, ‘અમારો વારો આવ્યો ત્યારે નિયમો બતાવીને હોદ્દાથી કેમ તાગેડ્યા?’ આ ચર્ચા સ્વાભાવિક પણ છે.
હાલ પણ ભાજપમાં જ્યાં કોઈને નિયુક્તિમાં કાપીને ‘કટ ટુ સાઈઝ’ કરવો હોય ત્યાં એક વ્યક્તિ એક હોદ્દાનું સમીકરણ લાગુ કરવામાં આવે છે. જ્યાં છોટાઉદેપુર જીલ્લાના સહકારી ક્ષેત્રમાં લાગુ થયેલ એક નિયુક્તિએ ફરી ભાજપના સંનિષ્ઠ કાર્યકરોનું ધ્યાન ખેચ્યું છે. જે જીલ્લામાં આજે ધીરે ધીરે ભાજપની રાજકીય જમીન ખસીને આમ આદમી પાર્ટી તરફ જઈ રહી છે ત્યાં પણ ભાજપ પક્ષ કાર્યકરોને એક સરખો ન્યાય આપવાને બદલે એક તરફ જ હોદ્દાઓની વણઝાર કરી મુકે છે.
તાજેતરમાં છોટાઉદેપુર જીલ્લાની પાવી જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી યોજવામાં આવી, આ ચુંટણીમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ ઉમેશ રાઠવા દ્વારા વિધિવત ભાજપના લેટર હેડ પર ખેડૂત વિભાગ,વેપાર વિભાગ અને સંઘ વિભાગના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું અસ્થીત્વ એટલું મજબુત ન હોય તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જોકે આ યાદીમાં બે નામોએ ધ્યાન ખેચ્યું હતું
ખેડૂત વિભાગની પેનલની આગેવાની કરતા મયુર મુકેશભાઈ પટેલ સાથે તેઓના ધર્મપત્ની પ્રિયાબેન મયુરભાઈ પટેલને પણ સંઘ વિભાગ માંથી ઉમેદવારીની મંજુરી આપી હતી. એક પરિવાર એક હોદ્દો હોવાની વાતમાં અહી તો એક જ પેનલમાં એક જ પરિવારના બે વ્યક્તિઓને ઉમેદવારી આપી દેવામાં આવી હતી. જ્યાં બિનહરીફ વિજેતા થયા બાદ મયુરભાઈ મુકેશભાઈ પટેલને APMCના ચેરમેનની જવાબદારી મળી ત્યારે તેઓના પત્ની પણ આ બોર્ડમાં ડીરેક્ટર તરીકેની જવાબદારી નિભાવશે.
બીજી તરફ જાણવા મળતી માહિતી પ્રમાણે APMCની ચુંટણીમાં મયુર પટેલની ઉમેદવારી થતા એ વાત પણ નકારી ન શકાય કે, તેઓ પાસે છોટાઉદેપુર સંગઠનમાં પણ હોદ્દો અને જવાબદારી તો છે જ..! મયુર પટેલ પોતે જીલ્લા ભાજપના ઉપપ્રમુખનું પદ ધરાવે છે અને જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના ખુબ નીકટના વ્યક્તિ કહેવાય છે. તેઓને જીલ્લા કિસાન મોરચાના પ્રભારીની પણ જવાબદારી મળી છે. એટલે સંગઠનમાં તેઓ બે જવાબદારી નું નિર્વહન કરે છે.
હવે અહી ‘એક વ્યક્તિ એક હોદ્દાના’ ભાજપના સંગઠન સુત્રની વાત કરીએ તો મયુર પટેલ પાસે જીલ્લા ઉપપ્રમુખ, કિસાન મોરચા પ્રભારી, પાવીજેતપુર APMCમાં ડીરેક્ટર, પાવીજેતપુર APMCના ચેરમેન અને તેમના પત્ની પણ APMCના ડીરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યાં એક વ્યક્તિ પાસે અસંખ્ય હોદ્દાઓ રહેતા હોય તો આ કિસ્સાને એક ઉદાહરણ સ્વરૂપે ગોઠવીને અન્ય જીલ્લાઓ કે અન્ય તાલુકાઓની APMCમાં કોઈ રાજકીય કે સહકારી અગ્રણી એક કરતા વધુ હોદ્દા પર રહેવા માટે નિશ્ચય કરે તો ભાજપના પ્રદેશના નેતાઓ આ માંગણીને કેવી રીતે નકારી શકે? પક્ષના નેતાઓ જ આવા ઉદાહરણો સેટ કરશે, તો નીતિ નિયમોના ધજાગરાઓ ક્યારે રોકાશે?