- કોર્ટમાં તારીખ સમયે તેઓ રડી પડ્યા હતા. તેવામાં એક અજાણયા માણસે આવીને તેમને પુછ્યું કે, બેન શું થયું. હું તમને ઓળખું છું.
વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ મથકમાં સગીરાને ભગાડી લઇ જવાના કેસમાં આરોપી યુવકને છોડાવવાનું જણાવી તેની માતા પાસે મોટી રકમની ઠગાઇ કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે. આ મામલે એક તબક્કે પૈસા આપવાની ના પાડતા મહિલાને ધમકી આપવામાં આવી હતી. આખરે આ મામલે મહિલાએ પોતાના વકીલને જાણ કરતા ઠગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ના આવી હોવાનું સપાટી પર આવ્યું હતું. આખરે ઠગ સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સાવલી પોલીસ મથકમાં જ્યોત્સનાબેન વસાવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો પુત્ર ફળિયાની સગીરાને ભગાડી લઇ ગયો હોવાથી તેની સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. હાલ તે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. સપ્ટેમ્બર – 2024 માં તે પેરોલ પર છુટ્યો હતો. હાલ આ કેસ ચાલી રહ્યો છે. દરમિયાન સાવલી કોર્ટમાં મુદત પડતી હોવાથી પુત્ર કોર્ટમાં આવતો હતો. સાતમાં મહિને તેઓ પણ મુદત હોવાથી કોર્ટમાં ગયા હતા. દરમિયાન તેઓ રડી પડ્યા હતા. તેવામાં એક અજાણયા માણસે આવીને તેમને પુછ્યું કે, બેન શું થયું. હું તમને ઓળખું છું.
જે બાદ ફરિયાદી મહિલાએ જણઆવ્યું કે, મારો છોકરો ઘણા સમયથી જેલમાં છે. તેનો કેસ ચાલે છે. બાદમાં તેણે કહ્યું કે, મારૂ નામ પ્રિતેશ મહેતા છે. મારી સાવલી ખાતે મહાકાળી હોટલ છે. મારી કોર્ટમાં ઓળખાણ છે. હું મોટી વકીલોને ઓળખું છું. તમારા છોકરાને છોડાવવો હશે, કે જામીન પર કાઢવો હશે, તો મારે કોર્ટમાં મળવું પડશે, તેનો ખર્ચ થશે. બાદમાં મહિલાએ પોતાની પારિવારિક હકીકત જણાવી હતી.
આરોપીએ કહ્યું કે, મેં તમને બહેન કહ્યા છે. તમે ચિંતા ના કરો, ખર્ચો થશે, પણ તમારો છોકરો જેલમાંથી બહાર આવી જશે. પ્રથમ તમારે રૂ. 6 હજાર આપવા પડશે. બાદમાં મામલે પ્રિતેશભાઇની એન્ટ્રી થઇ હતી. જેણે અલગ અલગ બહાને ફરિયાદી મહિલા પાસેથી પૈસા પડાવ્યા હતા.
આખરે એક તબક્કે મહિલાએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ તેના દિકરાની ફસાવી દેવાની અને છુટવા નહીં દેવાની ધમકી આપી હતી. બાદમાં મહિલાએ તેમના વકીલ મારફતે જામીન અરજી અંગેની તપાસ કરી હતી. અને પ્રિતેશભાઇએ કોઇ જામીન અરજી મુકી નથી. અને કોઇ કામ કર્યું નથી. આખરે મહિલાએ સાવલી પોલીસ મથકમાં રૂ. 4.50 લાખની છેતરપીંડિ મામલે પ્રિતેશભાઇ મહેતા (રહે. સાવલી) સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં જ દબોચી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.