- ડામર ચોકઅપ થઇ જવાના કારણે આગનો સહારો લેવામાં આવ્યો હતો. પરંતુ ઢાંકણું ખોલવાનું રહી જતા બ્લાસ્ટ થયો હતો
- સાવલીની કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી
- ડામર ઠાલવતી વેળાએ બ્લાસ્ટમાં ત્રણના મોત
- ત્રણેય મૃતકોના મૃતદેહને વડોદરા ખાતેની એસએસજી હોસ્પિટલમાં લવાયો
કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા વડોદરા ગ્રામ્યમાં આવેલા સાવલી માં રીતુ એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આજે બપોરના સમયે ટેન્કરમાંથી પીપળામાં ડામર ઠાલવતી વેળાએ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાના કારણે સ્થળ પર ભારે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. ડામર ચોકઅપ થઇ જવાના કારણે આગનો સહારો લેવામાં આવ્યો હતો. પરંતુ ઢાંકણું ખોલવાનું રહી જતા બ્લાસ્ટ થયો હતો. જો કે, આ આગમાં ત્રણ કામદારોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. આ ઘટનાના કારણે કંપનીમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. મૃતકોના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે.
વડોદરાના સાવલીમાં મોક્સી ગામ પાસે રીતુ એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આ કંપની ડામર સંબંધિત કામ કરે છે. કંપનીના પરિસરમાં પીપળા ભરેલો ડામર જોવા મળે છે. આજે બપોરના સમયે કંપનીમાં ટેન્કરમાંથી ડામરનો જથ્થો પીપડામાં ઠાલવવામાં આવતો હતો. તે વેળાએ ડામરનો જથ્થાનો ગઠ્ઠો બાઝી જતા જેને દુર કરવા માટે અગ્નિનો સહારો લેવામાં આવ્યો હતો. આગનો સહારો તો લીધો, પરંતુ વેન્ટીલેશન માટે ટેન્કરના ઢાંકણા ખોલવાનું ભૂલાઇ ગયું હતું. જેના કારણે ગેસ બાઝ્યો હતો, અને એક તબક્કે બ્લાસ્ટ સર્જાયો હતો.
આ બ્લાસ્ટમાં ટેન્કરના ચાલક, ક્લિનર અને એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં મૃતકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે રીતુ એન્ટરપ્રાઇઝમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આગનો ઉપયોગ કરીને ટેન્કરમાંથી ડામર ઓગાળીને કાઢતા સમયે કોઇ જાણકાર વ્યક્તિ સ્થળ પર હોત તો આ દુર્ઘટના ટાળી શકાઇ હોત, સહિતના અનેક મુદ્દે લોકચર્ચાઓ સામે આવી રહી છે. આ મામલે બેજવાબદાર કંપની સંચાલકો વિરૂદ્ધ વહીવટી તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.