- સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ સામે 6 અને અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ સામે એનડીપીએસના 3 કેસ નોંધાયા છે
વડોદરાના પાદરાના વડું ખાતે નશાના કારોબાર સંબંધિત કલમ એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું છે. બંનેના બાંધકામ મળીને લાખોની કિંમતની જગ્યાએ ખુલ્લી કરવામાં આવી છે. જેને પગલે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. રાજ્યભરમાં જ્યાં જ્યાં ગુનેગારોના ગેરકાયદેસર દબાણો છે, ત્યાં ત્યાં દાદાનું બુલડોઝર સફાયો કરી રહ્યું છે. જેની વડોદરામાં પણ અસર વર્તાઇ છે.
વડોદરા ગ્રામ્યમાં આવતા વડું વિસ્તારમાં સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ (રહે.વડું નવીનગરી તા.પાદરા જી.વડોદરા) અને અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ (રહે.વડું તા.પાદરા જી.વડોદરા) ના ગેરદાયદેસર દબાણો પર સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે. સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ સામે ગોત્રી, ગોરવા, એસઓજી-વડોદરા, પાણીગેટ, પાદરા અને વડોદરા સિટી પોલીસ મથકમાં મળીને 6 જેટલા એનડીપીએસના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ સામે બાપોદ, વડું અને વાઘોડિયામાં મળીને એનડીપીએસના ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.
તાજેતરમાં બંનેના ગેરકાયદેસર દબાણો પર સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદનું 170 ફૂટ જેટલી જગ્યાનું ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યું છે. જેની અંદાજી કિંમત રૂ. 5 લાખ આંકવામાં આવી રહી છે. જ્યારે અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખની 10 * 10 જેટલી જગ્યા પરના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. જેની અંદાજીત બજાર કિંમત રૂ. 50 હજાર આંકવામાં આવી રહી છે. બંને કિસ્સામાં મળીને કુલ રૂ. 5.50 લાખની જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. અને બીજી તરફ લોકો સરકારના આ કાર્યની ભરપેટ સરાહના કરી રહ્યા છે.